National

દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, બે બાળકોના મોત, અનેક દબાયાની આશંકા

દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12 વાગ્યે આ દુર્ઘટના બની છે. મકાનના કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ઈમારત પાસેથી પસાર થતાં બે બાળકો પણ દબાઈ ગયા હતા. કાટમાળમાંથી બંને બાળકોને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જે ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. કાટમાળમાંથી એક વૃદ્ધને પણ કાઢવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો મુજબ હજુ ત્રણથી ચાર લોકો દબાયા હોવાની આસંકા છે. જે દુકાન પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઈમારતના માલિકની પણ ધરપકડ કરાય તેવી શક્યતા છે. ઈમારત કયા કારણોસર ધસી પડી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

કેટલાંક વાહનો પણ કચડાઈ ગયા છે. દિલ્હી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. ઘટનાને પોતાની નજરે નિહાળનારા કેટલાંક પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે મકાનના કાટમાળમાં અનેક લોકો દબાયા હોઈ શકે છે. જે મકાન પડયું છે તેના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દૂધની દુકાન હતી. તેમજ મકાનમાં કેટલુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું.

દિલ્હીના સેન્ટ્રલ રેન્જના જોઈન્ટ સીપી એન.એસ. બુંદેલાએ કહ્યું કે એમસીડી (MCD), એનડીઆરએફ (NDRF) અને અન્ય બચાવ ટુકડીઓ રેસ્ક્યૂ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. કાટમાળમાં કેટલાં લોકો દબાયા છે તેની સચોટ માહિતી હજુ સુધી મળી શકી નથી. બુંદેલાએ વધુમાં કહ્યું કે એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. તેના માથા પર ઈજા થઈ હતી. હાલ તેને હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી રહી છે.
કહેવાય છે કે, આ મકાનના પહેલાં અને બીજા માળ પર કેટલાંક પરિવારો રહેતા હતા. તેઓ પણ કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. છેલ્લાં કેટલાંક સમયથી દિલ્હીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ અગાઉ દિલ્હીના નરેલા વિસ્તારમાં શનિવારે એક જૂનું મકાન પડ્યું હતું.

Most Popular

To Top