SURAT

ઉકાઈ ડેમને 345 ફુટ સુધી ભરવાની મમત: આ વર્ષે પણ ડેમ ભર-ભર કર્યો અને હવે છેક સપ્ટેમ્બર એંડમાં..

સુરત: (Surat) સને 2006માં તાપી નદીમાં ભારે પૂરે અબજો રૂપિયાનું નુકસાન કર્યું હોવા છતાં પણ ઉકાઈ ડેમના મેનેજમેન્ટમાં તંત્રવાહકો હજુ પણ ફાંફા જ મારી રહ્યા છે. ઉકાઈ ડેમનું (Ukai Dam) રૂલ લેવલ નક્કી કરીને બેસી ગયેલા તંત્રને એ ખબર નથી કે વરસાદ ક્યારેય પણ રૂલલેવલ જોઈને વરસતો નથી. રૂલ લેવલના નામે ડેમ ભરવાનો મોહ ગમે ત્યારે ફરી સુરતને તાપી નદીના (Tapi River) પૂરના (Flood) તારાજીમાં ધકેલી દે તેવી સંભાવના છે. ભૂતકાળમાં 2006માં આવું જ થયું હતું. ડેમ ભરવાની મમતે આખા સુરતને પાણીમાં ગરક કરી દીધું અને સુરતીઓ બેહાલ થઈ ગયા હતા. આ પૂરમાંથી સુરત માંડમાંડ બેઠું થયું પરંતુ દર વર્ષે ઉકાઈ ડેમમાં પાણી ભરવાની જીદ કરવામાં આવે છે અને દર વર્ષે ગમે ત્યારે ઉકાઈમાંથી પાણી છોડવાની ફરજ પડે છે. આ વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે અને ઉકાઈ ડેમના સત્તાધીશોને ભાન પડતું નથી. છેક છેલ્લે સુધી ઉકાઈ ડેમના સત્તાધીશોએ ડેમ ભરવાનું ચાલુ રાખ્યું અને ત્યાં સુધી ડેમ ભરી દીધો કે ડેમ તેના ડેન્જર લેવલ 345 ફુટથી માત્ર સવા બે ફુટ જ બાકી રહ્યો. જ્યારે શુક્રવારે ખબર પડી કે હવે ઉકાઈના ઉપરવાસમાં વરસાદ પડવાનો છે ત્યારે ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું. હવે સોમવારે એ પરિસ્થિતિ આવી કે ઉકાઈ ડેમમાંથી 1.95 લાખ ક્યૂસેક પાણી (Water) છોડવું પડી રહ્યું છે. ઉકાઈ ડેમને હકીકતમાં 340 ફુટથી વધારે ભરવાની જરૂરીયાત જ નથી. પરંતુ છતાં પણ વધુને વધુ ભરવાની વૃત્તિને કારણે ફરી ઉકાઈ ડેમના સત્તાધીશો સુરતને ફરી પૂરમાં ધકેલી દે તો નવાઈ નહીં હોય.

ઉકાઈ ડેમના તંત્રને એ ખબર જ હશે કે તાપી નદીની લંબાઈ 750 કિ.મી.થી પણ વધારે છે. ઉકાઈ ડેમનું જે સરોવર છે તેનો ઘેરાવો 80 ચો.કિ.મી. કરતાં પણ વધારે છે. ઉકાઈ ડેમના સરોવરમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા આખા ભારતમાં બીજા કે ત્રીજા ક્રમની છે. 750 કિ.મી. કરતાં પણ વધારે લંબાઈની તાપી નદીમાં જ્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડે છે ત્યારે પાણીનો આવરો લાખો ક્યુસેકમાં પહોંચી જાય છે. ઉપરવાસમાં 5-10 ઈંચ વરસાદ પણ ઉકાઈ ડેમમાં 5થી 10 લાખ ક્યુસેક પાણી લઈ આવે છે. સાથે સાથે ઉપરવાસમાંથી એટલી ઝડપે પાણી આવે છે કે ઉકાઈ ડેમના ઈજનેરો પાણીની આવકના આંકડા ગણે તે પહેલા તો પાણી ડેમમાં આવી ચૂક્યું હોય છે. ભૂતકાળમાં જ્યારે 2013માં એમ.કે. દાસ મ્યુનિ.કમિ. હતા ત્યારે પણ ઉકાઈ ડેમના સત્તાધીશો ગણતરીમાં થાપ ખાઈ ગયા હતા અને જ્યાં ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનું હતું ત્યાં પાંચ લાખથી પણ વધારે પાણી છોડવું પડ્યું હતું અને રાંદેર-અડાજણમાં પાણી ઘૂસી ગયા હતા.

ઉકાઈ ડેમ 345 ફુટ ભરવામાં આવે કે પછી 340 ફુટ, સિંચાઈને કોઈ ખાસ ફરક પડતો નથી. હાઈડ્રોને પણ ખાસ ફરક પડતો નથી. ઉકાઈ ડેમના સત્તાધીશોએ ડેમ ભરવાની મમતને બાજુ પર મુકીને ડેમને 340 ફુટથી વધારે ભરવાની જરૂરીયાત જ નથી. જો ડેમને 340 ફુટ ભરવામાં આવે તો ગમે ત્યારે વધુ પાણી આવે તો ડેમમાં પાણીનો થોડો સંગ્રહ કરીને અને થોડું પાણી છોડીને સુરત શહેરને પૂરના વિનાશકતામાંથી બચાવી શકાય. આટલા સાદા ગણિતને પણ ડેમના જક્કી સત્તાધીશો સમજી શકતાં નથી. હજુ પણ સમય છે કે ડેમની સપાટીને 340 ફુટ સુધી લઈ આવવામાં આવે. 5 ફુટની જગ્યા રાખવામાં આવે. ચોમાસું આ વખતે લંબાયું છે અને જે રીતે પાછોતરો વરસાદ પણ જોરમાં વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ક્યારે મેઘાની ‘મેહર’ ‘પ્રકોપ’માં ફેરવાઈ જાય તે નક્કી નથી. શુક્રવારે એક લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે અને રખે વધુ પાણીના આવરો થશે તો વધુ પાણી છોડવું પડશે અને તેવા સંજોગોમાં સુરતીઓને પડતા પર પાટું જેવી ફરી પૂરની માર પડે તેમ છે.

પૂરને કારણે જે બે વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થાય તેવા કતારગામ અને રાંદેર-અડાજણ, બંને વિસ્તારના ધારાસભ્યો હાલ સરકારમાં છે. બંને મંત્રીઓ છે ત્યારે સરકાર દ્વારા પણ ઉકાઈ ડેમના સત્તાધીશોને કડક રીતે સમજ આપવામાં આવે કે ડેમ ભરવાની મમત છોડે અને 340 ફુટ સુધી સિમીત રાખે કે જેથી સુરતને માથે પૂરની તલવાર લટકતી નહીં રહે. જો આમ નહીં થાય તો સુરતીઓ ફરી 2006 જેવા પૂરની તૈયારી રાખવી પડશે તે નક્કી છે.

Most Popular

To Top