SURAT

મંદિરમાં છત્તરની ચોરી કરી કરતા હતાં આ કામ, પોલીસે પકડી પાડ્યાં

સુરત: (Surat) વરાછામાં બે મંદિરમાં (Temple) ચોરી (Theft) કરનાર બે યુવકને પોલીસે પકડી પાડ્યા છે. ફૂટપાથ ઉપર જ રહીને રાત્રિના સમયે માત્ર મંદિરને જ ટાર્ગેટ કરી ચોરી કરતાં આ બંને યુવક સોના-ચાંદીના દાગીના મહિધરપુરામાં વેચતા હોવાનું પણ બહાર આવ્યું હતું. બંને યુવકે પાંચથી સાત જેટલી ચોરી કરી હતી, પરંતુ કાપોદ્રામાં મોટો હાથ મારતાં પોલીસના હાથે આવી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ દિવસ પહેલાં હીરાબાગ-કતારગામ રોડ ઉપર આવેલા મેલડી માતાના મંદિરમાં બે યુવકોએ ચોરી કરી હતી. યુવકે પહેલા માતાજીને નમન કરીને બાદમાં ચાંદીનું સત્તર સહિત 32 હજારની મત્તાની ચોરી કરી હતી. બીજા દિવસે આ બંને યુવકે કાપોદ્રામાં આવેલા મહાદેવના મંદિરમાંથી પણ રૂ.1.96 લાખની મતાની ચોરી કરી હતી. બે દિવસમાં બે મંદિરમાં ચોરી થતાં પોલીસ સ્ટાફ એલર્ટ થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

કાપોદ્રા પોલીસે હીરાબાગ પાસે પુલની રીલાયન્સ મોલની સામે બ્રિજની નીચે ફૂટપાથ ઉપર જ રહેતા હર્ષદ દિનેશભાઇ કુંભાર અને નીતેષકુમાર યોગેન્દ્ર ચૌધરીને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે બંનેને સીસીટીવી ફૂટેજની સાથે સરખાવ્યા હતા અને કડક પૂછપરછ કરતાં બંનેએ જ ચોરી કરી હોવાની કબૂલાત કરી દીધી હતી. આ ઉપરાંત પોલીસે દાગીના વિશે પૂછતાં બંને યુવકે દાગીના મહિધરપુરા પીરછડી રોડ ઉપર આવેલા એચ.જે.જ્વેલર્સમાં જ્વેલર મો.જુબેર હાજીહનીફ ઝવેરી (ચોક્સી)ને વેચ્યા હોવાનું કહ્યું હતું. પોલીસે જ્વેલર મો.જુબેરને પણ આરોપી બનાવ્યો હતો અને તેની જ્વેલરમાં તપાસ કરતાં નાના-મોટા 10 ચાંદીના છત્તર મળી આવ્યા હતા.

બે વર્ષમાં ભેગા થઈને પાંચથી સાત મંદિરને નિશાન બનાવ્યાં હતાં
કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે હર્ષદ અને નીતેષ બે વર્ષથી સાથે રહે છે, બંને પૈકી હર્ષદનાં માતા-પિતા નથી અને છેલ્લાં 10 વર્ષથી તે ફૂટપાથ નીચે જ રહીને મજૂરીકામ કરતો હતો. આ દરમિયાન નીતેષની સાથે મુલાકાત થયા બાદ બંનેએ મંદિરમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. નાનાં-મોટાં મંદિરને ટાર્ગેટ કરીને દાનપેટી ચોરી કરી લીધા બાદ તેમાંથી જે રોકડ મળતી તેને અડધા અડધા વહેંચી લેવામાં આવતા હતા. આ બંને યુવકોએ બે વર્ષ દરમિયાન પાંચથી સાત જેટલા મંદિરોને ટાર્ગેટ કર્યા હોવાનું પોલીસે કહ્યું હતું.

Most Popular

To Top