SURAT

સુરતના કાપોદ્રામાં રહેતો 12 વર્ષિય અસ્થિર મગજનો સગીર પોલીસના વાંકે ખોવાઈ ગયો

સુરત: (Surat) સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો 12 વર્ષિય અસ્થિર મગજનો સગીર (Boy) છેક વલસાડ પહોંચી ગયો હતો, પરંતુ વલસાડ પોલીસની ગંભીર બેદરકારી કહો કે પછી બીજુ કાંઇ..? વલસાડ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી દાખવી ન હતી અને સગીરને એકલો જ ટ્રેનમાં (Train) બેસાડીને સુરત આવવા મોકલી આપ્યો હતો. પરિણામે આ સગીર સુરત પહોંચ્યો જ ન હતો. આ બાબતે કાપોદ્રા પોલીસે (Police) અપહરણની (Kidnapping) ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.

  • વલસાડ પોલીસે ગંભીરતા નહીં દાખવી અસ્થિર મગજના સગીરને એકલો જ ટ્રેનમાં બેસાડી દેતા ગુમ થયો
  • સુરતનો 12 વર્ષનો અસ્થિર મગજનો યુવક વલસાડ પોલીસના હાથે લાગ્યો, પરંતુ પોલીસે ગંભીરતા દાખવી નહીં
  • હિતેશ વલસાડ પોલીસને મળ્યો હતો અને તેઓએ હિતેશના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતો 12 વર્ષિય હિતેશ (નામ બદલ્યુ છે) પોતાના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં હિતેશના માતા-પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન બે દિવસ પહેલા હિતેશની માતા તેને કામ ઉપર સાથે લઇ ગયા હતા, ત્યારબાદ તે કામેથી નીકળીને હિતેશના નાનીના ઘરે જવાનું કહીને નીકળી ગયો હતો. પરંતુ રાત સુધી તે નહીં મળતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. બીજી તરફ હિતેશ વલસાડ પોલીસને મળ્યો હતો અને તેઓએ હિતેશના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો.

આ સાથે જ હિતેશના માતા-પિતાએ કાપોદ્રા પોલીસ પાસે આવ્યા હતા. હિતેશના માતા-પિતા સાથે વાત કરીને વલસાડ પોલીસે હિતેશને ટ્રેન મારફતે સુરત મોકલી આપ્યો હતો. પરંતુ રવિવારે રાત્રી સુધી હિતેશ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો જ ન હતો, હિતેશ અસ્થિર મગજનો હોવાને લઇને તે ક્યાંક ગુમ થઇ ગયો હોય અથવા તેનું અપહરણ કરી લેવાયું હોવાની શંકાએ હિતેશના માતા-પિતા કાપોદ્રા પોલીસમાં પહોંચ્યા હતા અને તેઓએ હિતેશ ઘરે આવ્યો નહીં હોવાનું કહ્યું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે હિતેશના ગુમ થવા અંગે અપહરણની ફરિયાદ લઇને તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top