SURAT

સુરતની સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાંથી ત્યજી દેવાયેલું મૃત ભ્રૂણ મળતા ચકચાર

સુરત (Surat): સુરતના ભટાર વિસ્તારની એક શાળાના (School) ગર્લ્સ ટોયલેટમાંથી (Girls Toilet) મૃત ભ્રૂણ (Death Fetus) મળી આવતા ચકચાર મચી ગઈ છે. શાળાના સંચાલકો દ્વારા આ બાબતે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી છે. કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • ભટારની વિદ્યાભારતી સ્કૂલના અંગ્રેજી માધ્યમના લેડિઝ ટોયલેટમાંથી ભ્રૂણ મળ્યું
  • શાળા દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા તપાસ શરૂ
  • શાળાના કોઈ મહિલા સ્ટાફ કે વિદ્યાર્થીની દ્વારા ભ્રૂણ ત્યજી દેવાયું તે અંગે તપાસ શરૂ

પ્રાપ્ત માહિતી અનુસાર ભટારની (Bhatar) વિદ્યા ભારતી સ્કૂલના (Vidhya Bharti School) ઈંગ્લીશ મીડિયમના (English Medium) ગર્લ્સ ટોયલેટની અંદર એક ત્યજી દેવાયેલું મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. આ અંગે શાળાના કર્મચારી અને સિટી લાઈટ રોડ પર સાઈ આશિષ સોસાયટીમાં રહેતા 69 વર્ષીય જીતેન્દ્રકુમાર ભેજનાથ પાંડેએ ખટોદરા પોલીસને ફરિયાદ આપી છે. સ્કૂલના ટોયલેટમાં મૃત ભ્રૂણ મળી આવ્યું હોય અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા છે. શું શાળામાં કામ કરતી કોઈ મહિલા કર્મચારી કે પછી વિદ્યાર્થીનીએ પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિદ્યાભારતી શાળાની અંગ્રેજી માધ્યમ વિભાગના ગર્લ્સ ટોયલેટમાંથી મૃત ભ્રૂણ મળી આવ્યું હોય પોલીસે ઈંગ્લીશ મીડિયમના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની પૂછપરછ શરૂ કરી છે.

ભ્રુણનો કબ્જો લઇ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોક્લવામા આવ્યું છે તેમજ પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જે ટોયલેટમાંથી ભ્રૂણ મળી આવ્યું છે તે જનરલ ટોયલેટ છે મતલબ કે બહારથી આવતા લેડીઝ વાલીઓ, સ્કૂલનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીની ઉપયોગ કરે છે. જેથી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઘટના પાછળ સ્કૂલની કોઈ વિદ્યાર્થીની, સ્ટાફ અથવા તો બહારથી આવતા વાલી પણ હોય શકે છે. પીએસઆઇ પી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે એક સફાઈ કર્મચારી ટોયલેટમાં ચેકીંગ અને સફાઈ અર્થે ગયા હતા ત્યારે તેમણે ત્યાં ભ્રુણ જોયું અને પછી સ્કુલ મેનેજમેન્ટ તેમજ પોતાના મેનેજરને જાણ કરી હતી. આ ટોયલેટ સ્કૂલની જમણી બાજુમાં આવેલું છે.

સીસીટીવી કેમેરા દૂર હોવાથી તપાસમાં વિલંબ
પીએસઆઇ પી.એમ.દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ટોયલેટમાંથી ભ્રૂણ મળી આવવાની ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે. સીસી ટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે પરંતુ કેમેરા ટોયલેટથી દૂર છે. આ સિવાય જે સ્થિતિમાં ભ્રૂણ મળી આવ્યું છે તેના પરથી એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બહાર જન્મ આપ્યા બાદ તે ટોયલેટમાં નાખી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં ટોયલેટ જનરલ ઉપયોગવાળું હોવાથી એ કહેવું હાલ શક્ય નથી કે આ કૃત્ય કોઈ વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું છે કે પછી સ્કૂલના જ કોઈ લેડીઝ સ્ટાફ અથવા તો બહારથી આવતા કોઈ લેડીઝ વાલી. જોકે હાલમાં આ ત્રણે અંગલો પણ ચકાસમાં આવી રહ્યાં છે.

Most Popular

To Top