SURAT

હર્ષ સંઘવીની સૂચના છતાં દાદા માટે વ્હીલચેર ન મળી: કન્ફ્યૂઝન અને ગરમીને લીધે નવસારી-બારડોલીમાં ઓછું મતદાન

સુરત: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્ થયા બાદ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતાં ભાજપે સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતી લીધી પરંતુ તેની આડઅસર નવસારી બેઠક પર પડી છે. વોટિંગ કરવાનું કે નહીં તેની કન્ફ્યૂઝન, ગરમી સહિતના ફેક્ટરને લઈને મતદારોનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ ઓસરી ગયો હોય તેમ નવસારી અને બારડોલી બેઠક પર નિરસ મતદાન જોવા મળ્યું છે. સવારે બે કલાકમાં નવસારી લોકસભા બેઠક પર માત્ર 9.15 ટકા અને બારડોલી બેઠક પર 11.54 મતદાન જ થયું છે.

સુરત જિલ્લામાં નવસારીના કુલ 14.39 લાખ મતદારો અને બારડોલી બેઠકના કુલ 15.40 લાખ મતદારો છે. સવારના ઠંડા માહોલમાં મતદાન ધીમું રહ્યું હતું. હિટવેવની આગાહીને પગલે બપોરે તડકો વધે તેમ મતદાન વધુ ઓછું થાય તેવો ભય છે. લોકો ઓછા બહાર નીકળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પહેલીવાર તંત્રએ હીટવેવથી બચવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. ડો.સૌરભ પારઘીએ જણાવ્યું કે હીટવેવથી બચવા માટે ટોપી, છત્રી કે ચશ્માનો ઉપયોગ કરવો. સફેદ સુતરાઉ કપડા પહેરવા, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, લાંબા સમય સુધી તડકામાં રહેવું નહીં. અવારનવાર ભીના કપડાથી શરીર લૂંછવું. જરૂર જણાય તો ઇમરજન્સી નંબર 108નો સંપર્ક કરવો.

ઈચ્છાનાથમાં ગૃહમંત્રીએ શોધી છતાં વ્હીલચેર ન મળી
ઈચ્છાનાથ સ્થિત SVNIT ની સામે આવેલા કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન મથકમાં આજે સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાનો મત આપવા પહોંચ્યા હતા. તે જ સમયે એક વૃદ્ધ દાદા પણ મતદાન માટે પહોંચ્યાં હતા. દાદાને ચાલવામાં તકલીફ પડી રહી હતી, ત્યારે હર્ષ સંઘવીએ તુરંત સૂચના આપી કે દાદા માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવે.

સ્થળ પર હર્ષ સંઘવી સાથે જ મતદાન માટે આવેલા સ્થાનિક વોર્ડ મહામંત્રી સહિતના ભાજપના કાર્યકરો તુરંત દોડ્યા પણ વ્હીલચેર ખૂબ શોધવા છતાં મળી ન હતી. આખરે ખબર પડી કે વહીવટી તંત્ર દ્વારા વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં જ આવી નથી. છેવટે એ વૃદ્ધ દાદાના પરિવારના સભ્ય સહિત ખુદ ભાજપના વોર્ડ મહામંત્રી ધવલ દેસાઈએ, એ દાદાને ટેકો આપી મતદાન કુટીર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

કાપોદ્રામાં દિવ્યાંગ દંપતીને પોલીસે મદદ કરી
સુરત ખાતે બારડોલી લોકસભાના આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધના નિકેતન સ્કૂલ ખાતે મતદાન મથક પર એક દિવ્યાંગ દંપતી પોતાના બાળક સાથે મતદાન કરવા માટે આવેલ તે વખતે કાપોદ્રા પોલીસ સ્ટાફ દ્વારા તે દંપતિને મદદ કરી તેના સાથે આવેલ બાળકને સંભાળી દિવ્યાંગ દંપતિને મતદાન કરવામાં મદદ કરી એક માનવતાનું ઉદાહરણ આપેલ છે.

અડાજણમાં એલ.પી. સવાણી સ્કૂલ પર વિકલાંગ અશક્ત મતદારને પોલીસ વ્હીલચેરમાં બેસાડી લઈ જઈ વોટિંગ કરવામાં મદદ કરી હતી.

Most Popular

To Top