SURAT

સુરત: સચીન GIDCમાં કાપડના કારખાનામાં ભીષણ આગ, તમામ સામાન બળીને ખાક

સુરત: (Surat) સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં આવેલી ધ્રુએશન ઇન્ડ્રસ્ટીયલમાં કાપડના ખાતામાં બપોરે ભીષણ આગ (Fire) લાગવાની ઘટના બની હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ મોટી હોય 10 થી વધારે ફાયરની ગાડીઓ રવાના કરાઈ હતી અને ભારે જહેમતે આગને કાબુમાં લેવામાં આવી હતી. કાપડના કારખાનામાં (Textile Factory) આગ લાગી હોય કારખાનાનો તમામ સામાન બળી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે 5 કિ.મી દુર સુધી ધુમાડો દેખાયો હતો.

  • સચીન જીઆઈડીસીમાં કાપડના કારખાનામાં ભીષણ આગ: 5 કિ.મી દુર સુધી ધુમાડો દેખાયો
  • ફાયરબ્રિગ્રેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોચી: 3 કલાકે આગ કાબુમાં આવી
  • ખાતામાં કાપડનો મોટો જથ્થો હોવાના કારણે માત્ર ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

પ્રાપ્ત વિગતો મુજબ, સચીન જી.આઇ.ડી.સી રોડ નંબર 4 સાગર હોટલની પાસે આવેલી ધ્રુએશન ઇન્ડ્રસ્ટીયલમાં બપોરે 3:30 વાગ્યે કોઈ કારણસર અચાનક જ સેન્ટર મશીનમાં આગ લાગી હતી. ખાતામાં કાપડનો મોટો જથ્થો હોવાના કારણે માત્ર ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને સચીન જીઆઈડીસીની આસપાસ 5 કિ.મી વિસ્તારમાં આગના ધુમાડા દેખાયા હતા. જેના કારણે સચીન જીઆઈડીસી વિસ્તારમાં લોકોની ભીડ થઈ ગઈ હતી જેથી પોલીસે સ્થળ પર આવી ટ્રાફિક ક્લીયર કરવાની ફરજ પડી હતી.

ફાયરને કોલ મળતા જ સચીન તથા સચીન હોજીવાલા, ડિંડોલી અને ભેસ્તાન ફાયર સ્ટેશનથી કુલ 10 થી વધુ ફાયરની ગાડીઓ સ્થળ પર પહોચી હતી અને આગને ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. આગ વિકરાળ હોય, કારખાનામાં સેન્ટર મશીન, કાપડના તાકા, ફોલ્ડિંગ મશીન, ગ્રે કાપડનો જથ્થો અને તૈયાર માલ બળીને ખાક થઇ જવા પામ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Most Popular

To Top