SURAT

સુરતીઓ માટે આનંદના સમાચાર: આ તારીખથી વરસાદની આગાહી

સુરત: (Surat) આજે શહેરનું મહત્તમ તાપમાન 1 ડિગ્રીના વધારા સાથે 35.2 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વાદળ છવાયાં વાતાવરણ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre Monsoon Activity) શરૂ થઇ ગઇ છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી, દમણમાં 12 જુન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Forecast) કરવામાં આવી છે.

  • સુરત સહિત દ.ગુજરાતમાં 12 જુન સુધીમાં વરસાદની આગાહી : 30થી 40 કિ.મીની ઝડપે પવન ફુંકાશે
  • બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 1 ડિગ્રીના વધારા સાથે 35.2 સેલ્સિયસ ડિગ્રી

હવામાન ખાતા પાસેથી મળતી વિગતો અનુસાર આજે શહેરનું મહત્તમ તાપમાન 35.2 સેલ્સિયસ ડિગ્રી જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28.4 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા અને હવાનું દબાણ 1002.9 મિલીબાર રહ્યું હતું. દક્ષિણ પશ્વિમ દિશામાંથી પ્રતિ કલાક 11 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. વિતેલા બે ત્રણ દિવસથી શહેરમાં વાદળ છવાયું વાતાવરણ થવાની શરૂઆત થઇ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે આજે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 12 જુન સુધી સુરત સહિત નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 30 થી 40 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલા એક મહિનાથી પવનની ગતિ વધુ રહેતા ગરમી ઓછી અનુભવાઇ રહી હતી. એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહ્યું હતું જ્યારે મે મહિનાના બીજા અઠવાડિયાથી પવનની ગતિ વધવા સાથે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી જેટલું જ નોંધાયું હતું.

ગુજરાતમા વરસાદની અસર શરૂ
આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં ફેરફાર થવાની આગાહી કરવામાં આવી છે. જેની અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર મંગળવારથી જોવા મળી છે. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10થી વધુ મકાનોના પતરાં ઉડ્યાં હતા. આગામી દિવસોમાં પણ ભારે પવન વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.

Most Popular

To Top