SURAT

પુણાની ગીતાનગર સોસા.ના મકાનમાં આગ બાદ ભાગદોડ : ફાયર અને GEB એ સંયુક્ત ઓપરેશન કર્યું

સુરત: સુરત (Surat) પુણાગામના (Punagam) ગીતાનગરની આગની (Fire) ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શેરીના મકાન નંબર-2 માં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. જો કે ફાયર બ્રિગેડ તેમજ જીઈબીના (GEB) કર્મચારી ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી આવતા વીજ લાઈન કાપી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. એટલું જ નહિ પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ટ્રાફિકને લઈ ફાયર બ્રિગેરની ગાડી મહામુસીબતે ઘટના સ્થળ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું હતું.

હરેશભાઇ કાકડીયા (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે તેઓ ઘટના સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક મકાન બહારની મીટર પેટીમાં અચાનક શોર્ટ-સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. ઘરના સભ્યો બહાર દોડી આવ્યા હતા. બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. તાત્કાલિક ફાયરને જાણ કરી દીધી હતી. ભેગા થયેલા લોકોએ આગ પર પાણી નાખી આગને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં ફાયરના જવાનો અને પોલીસ દોડી આવી હતી. બસ થોડી વારમાં આગ કંટ્રોલ થઈ ગઈ હતી.

દીનું પટેલ (પુણા ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, આગનો કોલ મળતા જ તાત્કાલિક દોડી ગયા હતા. જો કે શેરીઓની સાંકડી ગલીમાં ફાયરની ગાડીઓ લઈ કેમ જવીએ એક પ્રશ્ન બની ગયો હતો. સાંકડી શેરીઓમાં રોડ પર વાહન પાર્ક કરેલા હોવાથી અનેક વાહનોને દૂર કરી બમ્બો ઘટના સ્થળની નજીક લઈ ગયા હતા. ત્યારબાદ પાણીના 4-5 પાઇપ લંબાવી આગ કંટ્રોલ કરવામાં આવી હતી. 15 મિનિટથી વધુ સમય તો માત્ર વાહનો હટાવવામાં અને ફાયરની ગાડી અંદર લઈ જવામાં જ થઈ ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે જે મકાનમાં આગ લાગી હતી. એ મકાન જીગ્નેશ ભાઈ ગાંગણી એ ભાડું રાખ્યું હતું. ગેલેરીમાં કાપડના પોટલા, વેસ્ટ મટીરીયલ પહેલા માળે બાળકોના ડ્રેસ બનાવવાના મશીન અને ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડનો જથ્થો પડેલો હતો. મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થયા બાદ તણખલાએ કાપડમાં આગ પકડતા આગ ઉગ્ર બની હતી. જો કે કોઈ જાનહાની નોંધાય ન હતી.

Most Popular

To Top