SURAT

બુલેટ ટ્રેનમાંથી ઉતરી મેટ્રો મારફત સીધા સુરત એરપોર્ટ જઈ વિમાનમાં બેસી શકાશે

સુરત(Surat) : ભવિષ્યમાં સુરત માટે વિકાસનું નવું સોપાન બની રહેનારી મેટ્રો રેલમાં (Metro Rail) વિમાન (Plane) અને બુલેટ ટ્રેનમાંથી (Bullet Train) ઉતરનાર પણ સીધો બેસી શકે તે માટે આયોજનો કરી દેવામાં આવ્યા છે. હાલમાં મેટ્રો રેલના બે ફેઈઝની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં ત્રીજા ફેઈઝમાં મેટ્રો ટ્રેનને ડ્રીમ સિટીથી એરપોર્ટ અને સરથાણાથી બુલેટ ટ્રેનના સ્ટેશન અંત્રોલી સુધી લંબાવવામાં આવશે. આ માટે ડીપીઆર બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે એક ફેઈઝ ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

સુરત મહાપાલિકાની સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, જીએમઆરસી દ્વારા મેટ્રો રેલના ફેઈઝ-3ના ડીપીઆર બનાવવામાં આવી રહ્યા છે. આ ત્રીજા ફેઈઝમાં મેટ્રો રેલની કનેક્ટિવિટીને આગળ લંબાવવા માટેની કામગીરી કરવામાં આવશે. ડ્રીમસિટીથી એરપોર્ટ સુધીનો રૂટ અને એરપોર્ટ પર સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જેને પગલે વિમાનમાંથી ઉતરનાર યાત્રી સીધા જ મેટ્રો રેલનો લાભ ઉઠાવી શકશે.

સાથે સાથે સરથાણાથી અંત્રોલી સુધી મેટ્રો રેલ લંબાતા બુલેટ ટ્રેન સાથેની કનેક્ટિવિટી મળશે. આ કનેક્ટિવિટીનો સૌથી મોટો ફાયદો એ થશે કે બુલેટ ટ્રેનમાંથી આવનાર મુસાફર મેટ્રો દ્વારા એરપોર્ટ અને વિમાનમાં આવનાર મુસાફર મેટ્રો દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશન જઈને બુલેટ ટ્રેનમાં બેસી શકશે. સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધીમાં એક ફેઝ તૈયાર થઈ જશે.

સુરત સ્ટેશનથી મેટ્રો અને બસ સ્ટેશનથી પણ મેટ્રોની કનેક્ટિવિટી રહેશે
સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનને ઈન્ટિગ્રેટ કરવા માટેના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત રેલવે સ્ટેશનથી સીધી મેટ્રો પકડી શકાય તે રીતે મેટ્રોના રૂટ ડિઝાઈન કરાયા છે. તેમજ લંબે હનુમાન બસ ડેપોથી પણ મેટ્રોની કનેક્ટિવિટી મળશે. જેથી લોકો આસાનીથી પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 4 પરથી માત્ર 100થી 125 મીટરના અંતરે લોકો મેટ્રો પકડી શકશે તેમજ બસ ડેપોથી પણ 100 મીટરના એરિયામાં મેટ્રો મળી રહેશે.

સુરત મનપા મેટ્રો સહિત માસ ટ્રાન્સપોર્ટેશન માટે કોમન ટિકીટ રાખશે
મનપા દ્વારા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બસો દોડાવવામાં આવી રહી છે. તેમજ ભવિષ્યમાં મેટ્રો પ્રોજેક્ટ પણ સાકાર થતા ટ્રાફિકની સમસ્યા ઘટશે. શહેરમાં તમામ માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે એક કોમન ટિકીટનું આયોજન કરશે કે લોકોને જુદા જુદા ટ્રાન્સપોર્ટ મોડ માટે જુદી જુદી ટિકીટ ન લેવાની થાય. સિંગલ ટિકીટ થકી લોકો આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લઈ શકે તે રીતનું આયોજન કરાશે.

મેટ્રો રેલના બે ફેઈઝમાં શું શું તૈયાર થશે

  • મેટ્રોના બંને ફેઈઝ મળીને કુલ 38 સ્ટેશન સાકાર થશે. જે પૈકી 6 સ્ટેશન અંડરગ્રાઉન્ડ બનશે અને બાકીના તમામ એલિવેટેડ હશે.
  • મેટ્રોના બીજા ફેઝમાં તમામ સ્ટેશન એલિવેટેડ છે. પ્રથમ ફેઝમાં એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ પણ સ્ટેશન હશે.
  • કુલ છ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે. જેમાં ચોકબજાર, મસ્કતિ હોસ્પિટલ, સુરત રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ વેર હાઉસ, લાભેશ્વર ચોક તથા કાપોદ્રાનો સમાવેશ થાય છે.
  • મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ચોક પાસેના 2 અંડરગાર્ઉન્ડ મેટ્રો સ્ટેશનના સ્થળે હયાત રસ્તાની ઓછી પહોળાઈના કારણે સ્પ્લિટ પ્રકારના સ્ટેશનનો બનશે. આ સ્ટેશન સ્પેશીયલ ડિઝાઈનના છે. જેમાં મસ્કતિ મેટ્રો સ્ટેશનના અપ અને ડાઉનના 2 પ્લેટફોર્મ એક બીજાની ઉપર સ્ટેક થયેલા છે. જેના કારણે મેટ્રો સ્ટેશનના ફાઉન્ડેશનની કુલ ઊંડાઈ ગ્રાઉન્ડથી 43 મીટર નીચે તેમજ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના લોએસ્ટ લેવલની ઊંડાઈ 38 મીટર જેટલી થશે. સમગ્ર ભારતમાં ગ્રાઉન્ડ લેવલથી 43 મીટર ઉંડાઈમાં મેટ્રોનું સ્ટેશન માત્ર સુરતમાં સાકાર થશે અને આ પ્રકારના સ્ટેશન પણ ભારતમાં એક માત્ર સ્ટેશન બનશે.

મેટ્રો રેલ માટેની કામગીરી કેટલી પુરી થઈ??
અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટના કુલ 2 પેકેજ પૈકી કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી અત્યાર સુધીમાં કુલ 39.62% કામગીરી પૂર્ણ થઈ છે તેમજ સુરત સ્ટેશનથી ચોક બજાર સુધીના રૂટની 25.64% કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. સુરત મેટ્રોમાં અંડરગ્રાઉન્ડનો કુલ 6.5 કિ.મીનો રૂટ છે. જેમાં કાપોદ્રાથી સ્ટેશન સુધીના પ્રથમ પેકેજમાં 3.5 કિ.મી પૈકીના રૂટમાં અપ લાઈનમાં 1 કિ.મી અંડરગ્રાઉન્ડ રૂટ અને ડાઉન લાઈનમાં 700 મીટર અંડરગ્રાઉન્ડ રૂટની ટનલ તૈયાર થઈ ચુકી છે. જ્યારે સ્ટેશનથી ચોકબજાર સુધીના 3 કિ.મીના અંડરગ્રાઉન્ડ રૂટમાં 100 મીટર અને 50 મીટરની ટનલ તૈયાર થઈ છે.

Most Popular

To Top