SURAT

જાણો સુરતમાં લગ્ન પ્રસંગ અને અંતિમવિધિને લઈ શું છે પોલીસ કમિશનરનો આદેશ..

સુરત: (Surat) વૈશ્વિક મહામારીના કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે 30 એપ્રિલ સુધી જરૂરી પ્રતિબંધાત્મક હુકમો કર્યા છે. જેમાં લગ્ન (Marriage) અને અંતિમવિધિમાં 50થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજ્યમાં અમદાવાદ બાદ કોરોનાનું સંક્રમણ સુરતમાં સર્વાધિક છે. હવે તો ટપોટપ થઈ રહેલા મોતને કારણે સ્મશાનગૃહોથી લઈને હોસ્પિટલો અને નાના મોટા કોવિડ સેન્ટરો ઉભરાઈ રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા અનુસાર લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહીં. કરફયુના સમય દરમિયાન શહેરી વિસ્તારમાં લગ્ન-સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો કરી શકશે નહી. મૃત્યૃની અંતિમવિધિ-ઉત્તરક્રિયામાં ૫૦થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. જાહેરમાં રાજકીય-સામાજિક-ધાર્મિક કાર્યક્રમો-સત્કાર સમારંભો, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

એપ્રિલ માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦મી એપ્રિલ સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો પર મર્યાદિત સંખ્યામાં પુજાવિધિ કરવાની રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નિયમોનો ભંગ કરનારાઓ સામે એફઆઈઆર

સુરત શહેરમાં હાલ તીવ્ર ગતિએ વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે, શહેરીજનોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ ઘણા લોકો ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી જેને કારણે સંક્રમણ વધી રહ્યું છે. કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે મનપા દ્વારા હવે નિયમોનો ભંગ કરનારાઓ સામે એફઆઈઆર કરવામાં આવી રહી છે. અઠવા ઝોનમાં ભીમરાડગામ તથા વેસુ વિસ્તારમાં રહેતા 2 લોકોએ કોવિડની ગાઇડલાઇનનું પાલન કર્યુ ન હોય તેઓ સામે એફ.આર.આઇ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે ઉપરાંત મનપાએ શહેરીજનોને સુચના આપવામાં આવી છે કે, હાલ વધતા કોરોના કેસોને ધ્યાનમાં લઇને જો કોઇ વ્યકિત નિયમનું ઉલંઘન કરી બહાર ફરશે તો તેના સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top