Gujarat Election - 2022

આવતી કાલે સુરતમાં PM મોદીનો રોડ શો છ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે, સુરતમાં રાત્રિ રોકાણ

સુરત: (Surat) ધીરેધીરે વિધાનસભાની ચૂંટણીનો (Election) ટેમ્પો જામવા માંડ્યો છે. ભાજપ દ્વારા પોતાના અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. આ વખતે કોંગ્રેસની (Congress) સાથે આપ પણ મેદાનમાં હોવાથી ભાજપ (BJP) કોઈજ કસર છોડવા માંગતું નથી અને તેને કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા ખુદ સભાઓ સંબોધવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચાર (Election Campaign) શરૂ થયાને હજુ સુધી વડાપ્રધાન મોદી દ્વારા સુરતમાં સભા યોજવામાં આવી નથી પરંતુ હવે સુરતની બારે બાર બેઠકો જીતવા અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તારમાં ભાજપની સ્થિતિને મજબુત કરવા માટે આગામી રવિવારે મોદી દ્વારા સુરતમાં ભવ્ય રોડ શોની (Road Show) સાથે સાથે મોટા વરાછાના અબ્રામા, ગોપીન ગામ ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા મોદીની આ સભા દ્વારા માસ્ટર સ્ટ્રોક મારવાની તૈયારીઓ કરવામાં આવી છે.

  • કાલે મોદી સુરતમાં, રોડ શો-સભાની સાથે રાત્રિ રોકાણ પણ કરશે
  • મનપાની ચૂંટણી વખતે રહેલી કસર આ વખતે નહીં રહે તે માટે મોદીએ સુરતમાં સભાનું આયોજન કર્યું
  • સુરતમાં મોદીનો રોડ શો છ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે, અનેક ઠેકાણે અભિવાદન કરાશે
  • મોદી દ્વારા રવિવારે સાંજે અબ્રામા, ગોપીન ગામ ખાતે વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરવામાં આવશે

વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતનો લાભ લેવા માટે સુરત ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી દ્વારા મોટાભાગે ચૂંટણીઓમાં રોડ શો કરવામાં આવતો હોવાથી સુરત ભાજપ દ્વારા પણ તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં આપના 27 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હોવાને કારણે આ વખતે વિધાનસભામાં તેની કોઈ જ અસર નહીં રહે તે માટે વડાપ્રધાન મોદી સુરતની છ વિધાનસભા વિસ્તારોમાં રોડ શો કરશે. આ રોડ શોમાં અનેક ઠેકાણે મોદીનું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં એરપોર્ટથી પ્રથમ ઓએનજીસી બ્રિજ ચોકડી, સરગમ શોપિંગ સેન્ટર, અઠવા ગેટ, મજુરા ગેટ, રિંગરોડ બાબાસાહેબની પ્રતિમા, સહારા દરવાજા મલ્ટિ લેયર બ્રિજથી નીચે ઉતરતા એપીએમસી માર્કેટ સામે અને સવજી કોરાટ બ્રિજ પાસે મોદીનું ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાદમાં મોદી દ્વારા સાંજે અબ્રામા ખાતે જાહેરસભાને સંબોધન કરવામાં આવશે.

મોદી સુરતમાં રાત્રિ રોકાણ કરી આગેવાનો સાથે ચૂંટણીની રણનિતીની પણ ચર્ચા કરશે
વડાપ્રધાન મોદી ખુદ આ વખતે સુરતની 12 બેઠકમાં રસ લઈ રહ્યા હોવાથી રવિવારની સભા બાદ તેઓ સુરતમાં જ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. આ રાત્રિ રોકાણ દરમિયાન વડાપ્રધાન મોદી સુરત ભાજપની સાથે પ્રદેશના ભાજપના આગેવાનો સાથે ચૂંટણીની રણનિતી બાબતે પણ ચર્ચા કરશે.

મોદીની જાહેરસભા એવી રીતે ગોઠવવામાં આવી કે સૌરાષ્ટ્રવાસીઓનો સમાવેશ કરતી 6 વિધાનસભાને અસર કરે
વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસીઓમાં આપની અસર દેખાઈ રહી હોવાથી ભાજપ આ વખતે સૌરાષ્ટ્રવાસીઓના મત બીજે જાય નહીં તે માટે મોદીની સભા ગોઠવી રહી છે. મોદીની સભા એવી રીતે ગોઠવવામાં આવી છે કે જેને કારણે મોદીની સભામાં ઓલપાડ, કરંજ, કામરેજ, વરાછા રોડ, કતારગામ અને સુરત ઉત્તરના બેઠકના સૌરાષ્ટ્રવાસીઓને લાવી શકાય. મોદીની સભામાં સૌરાષ્ટ્રવાસીઓને હાજર રાખવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top