SURAT

સુરતની સૌરાષ્ટ્રવાસી બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં ભાજપને કેમ પડી રહ્યો છે પરસેવો?

સુરત: કદાચ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં જેટલા લોકો રહેતા હશે તેના કરતાં પણ વધારે સૌરાષ્ટ્રવાસીઓ હવે સુરતમાં વસે છે. આ કારણે જ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે સુરતમાં ભાવનગર અને અમરેલી જિલ્લાનું રાજકારણ જોર પકડે છે. તમામ પક્ષો દ્વારા ભાવનગર (ગોલવાડીયા) અને અમરેલી (હાલારી) જિલ્લાને સમાંતર પ્રતિનિધિ મળી શકે તે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ભાવનગર અને અમરેલી જિલ્લાનો દરેક પક્ષો દ્વારા ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે પરંતુ તેમાં સૌથી વધુ જો કોઈને તકલીફ પડતી હોય તો તે ભાજપને છે. સુરતમાં બાર પૈકી 5 વિધાનસભા બેઠક એવી છે કે જ્યાં પાટીદારો અને સૌરાષ્ટ્રવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ કારણે જ આ પાંચ બેઠક પર સૌરાષ્ટ્રવાસી પણ સુરતમાં રહેતા ઉમેદવારોની પસંદગી કરાશે પરંતુ ભાજપને ભાવનગર અને અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ સરખું રાખવામાં પરસેવો પડી રહ્યો છે. કદાચ એવું બને કે આ વખતે પાંચમાંથી એક જ બેઠક અમરેલી જિલ્લાને ફાળે આવે.

સુરતમાં કામરેજ, કરંજ, વરાછા રોડ, સુરત ઉત્તર અને કતારગામ મળીને પાંચ બેઠકો માટે મુળ સૌરાષ્ટ્રીય ઉમેદવાર નક્કી કરવાના રહે છે. 2017માં આ પાંચ બેઠકોમાં કતારગામમાં વિનુ મોરડીયા, સુરત ઉત્તરમાં કાંતિ બલર, કરંજમાં પ્રવિણ ઘોઘારી, કામરેજમાં વીડી ઝાલાવડીયા અને વરાછા રોડ બેઠક પર કુમાર કાનાણીની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આ વખતે આ ચિત્ર મોટાભાગે બદલાઈ જશે તેનું માનવામાં આવી રહ્યું છે. જો ભાજપના જ આગેવાનોમાં ચાલતી ચર્ચા માનવામાં આવે તો આ વખતે કામરેજના ઉમેદવાર રિપીટ થાય તેવી સંભાવના ઓછી છે. તેમના સ્થાને ભાજપ દ્વારા જનક બગદાણા કે પછી કરશન ગોંડલીયાને ટિકીટ આપવામાં આવે તેવી ચર્ચા છે. જો આમ થશે તો આ બેઠક ભાવનગર જિલ્લાને ફાળે જશે.

આ જ રીતે કરંજની બેઠક પ્રવિણ ઘોઘારી રિપીટ થાય તેવી સંભાવના છે. જેથી આ બેઠક પણ ભાવનગર જિલ્લાને ફાળે જાય તેમ છે. કતારગામની બેઠક પરથી જો વિનુ મોરડીયાને રિપીટ નહીં કરાય તો મુકેશ ગુજરાતીનું નામ આગળ ચાલી રહ્યું છે. જો આમ થશે તો આ બેઠક પણ ભાવનગર જિલ્લાને ફાળે જાય તેમ છે. સુરત ઉત્તર બેઠક સુરતની સૌથી નાની બેઠક છે. આ બેઠક પર ધારાસભ્ય કાંતિ બલર રિપીટ થવાની સંભાવના છે. કાંતિ બલર ભાજપની નજીકના મનાતા એક મોટા ઔદ્યોગિક જુથના સંબંધી હોવાની સાથે તેમનો સરળ સ્વભાવ તેમને ફરી રિપીટ કરાવી જાય તેવું મનાઈ રહ્યું છે. કાંતિ બલરને રિપીટ કરાશે તો દેખીતી રીતે આ બેઠક અમરેલી જિલ્લાને ફાળે જશે. જોકે, ભાજપમાં પહેલેથી જ કાંતિ બલરને ગોલવાડીયા તરીકે ગણવામાં આવી રહ્યા છે. જેને કારણે આ બેઠક પર પણ ભાવનગર જિલ્લાનો કબજો રહેશે.

ભાજપ માટે ઉમેદવારની પસંદગીમાં સૌથી કશ્મકશ ગણાતી હોય તો તે વરાછા રોડ બેઠક છે. આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય તરીકે અમરેલી જિલ્લાના કુમાર કાનાણી છે. કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાના પ્રફુલ તોગડીયાને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે આપ દ્વારા અમરેલી જિલ્લાના જ અલ્પેશ કથિરીયાને ટિકીટ આપવામાં આવી છે. આ સંજોગોમાં ભાજપ માટે આ બેઠક પર અમરેલી જિલ્લાનો ઉમેદવાર મુક્યા વિના છૂટકો નથી. આ બેઠક પરથી ભાવનગર જિલ્લાના દિનેશ નાવડીયા અને અમરેલી જિલ્લાના પ્રતાપ જીરાવાળા ટિકીટ માંગી રહ્યા છે. જો કાનાણીને કાપવામાં આવે અને ટિકીટ દિનેશ નાવડીયાને આપવામાં આવે તો આ બેઠક પણ ભાવનગર જિલ્લાના ફાળે જ જશે. ભાજપ માટે મોટી વિટંબણા એ છે કે અમરેલીના આગેવાનોનો પ્રત્યાઘાત ઉગ્ર છે. જ્યારે સામે અમરેલી જિલ્લાના એવા આગેવાનો ભાજપ પાસે નથી કે જેને ટિકીટ અપાય અને તે બેઠક જીતી લાવે.

સુરતમાં ઉમેદવારોની પસંદગીની અસર સૌરાષ્ટ્રમાં પણ થાય તેમ હોવાથી સૌરાષ્ટ્રવાસી ઉમેદવારોની પસંદગીમાં ભાજપ ફૂંકીફૂંકીને આગળ વધી રહ્યું છે. ભાજપના આગેવાનોના કહેવા પ્રમાણે, ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ અને દિલ્હીમાં સુરતની આ પાંચ બેઠકોના મામલે જ ભારે માથાકૂટો ચાલી હતી. જો કે, બે જ દિવસમાં ઉમેદવારો જાહેર થઈ જવાની સંભાવના છે ત્યારે ભાજપના ઉમેદવારોમાં અમરેલી જિલ્લાનો હાથ ઉપર રહે છે કે પછી ભાવનગર જિલ્લાનો, તે જોવું રહ્યું.

Most Popular

To Top