Columns

અમેરિકા અને ચીન મુંગા રહીને તૈયારીમાં લાગ્યા છે ભવિષ્ય શું?

ઝિનપિંગ ત્રીજી ટર્મ માટે અને કદાચ આજીવન ચીનના પ્રમુખપદે પોલીટબ્યુરો દ્વારા પસંદ થઇને આરૂઢ થયા છે. આ ત્રીજી ટર્મ એમણે કપરા-કાળ વચ્ચે શરૂ કરી છે. હવે શી અમેરિકા અને દુનિયા સાથે કેવી રીતે પેશ આવશે તે જીજ્ઞાસા અને ચિંતાનો વિષય રહેશે. ચીનને અમેરિકા સામે વાંધાઓ છે તો અમેરિકાને ચીન સામે મોટા વાંધાઓ છે. અમેરિકામાં પોતાનો સસ્તો માલ વેચીને, તેમજ અમેરિકનોના ગંજાવર મૂડીરોકાણ બાદ ચીને પ્રગતિ હાંસલ કરી છે. જગતનું બીજા ક્રમનું અર્થતંત્ર બની ગયું અને હવે અમેરિકા સામે જ ફૂંફાડા મારી રહ્યું છે.

આર્થિક, લશ્કરી અને રાજકીય ત્રણેય બાબતોમાં ચીન દુનિયાને ડરાવી રહ્યું છે. બીજા પક્ષે અમેરિકાને આ તકલીફ તો છે જ, પરંતુ મોટી તકલીફ એ છે કે ચીન બીજા ક્રમની આર્થિક તાકાત બની ગયું છે અને થોડાં વરસમાં પ્રથમ સ્થાને પણ આવી જાય. અમેરિકાને ડર છે કે એની પોતાની જગત પરની વગ નબળી પડી જશે. ડોલરનું આધિપત્ય ખતમ થઇ જશે. અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ડોલરના વિશ્વ ચલણ હોવા સામે પડકાર ઊભો થયો છે. ચીનના ભવિષ્યના ઇરાદાઓ પણ મંગલ નથી. એને તાઇવાન પણ જોઇએ છે. આ બધી વાસ્તવિકતાઓ વચ્ચે હવે પછીના 5 વરસ કે તેથી વધુ સમય બન્ને દેશો વચ્ચે કેવી કેવી જામશે તે મહત્વનો વિષય રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પની ચાર વરસની મુદત દરમિયાન જ અમેરિકા-ચીન સંબંધોની વરવી વાસ્તવિકતા ટ્રમ્પે ઊજાગર કરવા માંડી હતી. ત્યાર સુધી બરાક ઓબામા જેવા પ્રમુખો સૃષ્ટુ સૃષ્ટુ ભાષામાં પ્રેમ અને સહકારની ભાષામાં વાત કરતા હતા ત્યારે ટ્રમ્પે આવીને કહ્યું કે ચીનાઓ, ઇરાનીઓ, પાકિસ્તાનીઓ અમેરિકાને છેતરી રહ્યા છે. આંખમાં ધૂળ નાખી રહ્યા છે. ટ્રમ્પની વાત સાચી હતી અને હવે વધુ સાચી પુરવાર થઇ રહી છે.

ટ્રમ્પે ચીન સામે વેપાર યુદ્ધ આદર્યું. ચીનના અનેક માલસામાન પર ઊંચી જકાતો લાદી. ટ્રમ્પે એક ટવીટ કરીને ચાઇનીઝ કંપનીઓને અમેરિકામાંથી જતા રહેવાની સલાહ આપી હતી. ટીક ટોક કંપની અમેરિકનોને વેચી દેવી પડે એવી નોબત આવી હતી. કોવિડ-19 નું ઉદ્‌ભવ સ્થાન ચીન છે તેમ જાહેર કરીને ટ્રમ્પે કોરોના વાઇરસને ચીની વાઇરસ એવું નામ આપ્યું હતું. સામે પક્ષે ચીનના રાજદ્વારીઓએ એવી વાત ફેલાવી હતી કે એ વાઇરસ અમેરિકાની લશ્કરી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સમયના વિદેશ મંત્રી અને પ્રભાવશાળી નેતા માઇક પોમ્પીઓએ જાહેરમાં કહ્યું હતું કે ચીનની રાજકીય શાસન પધ્ધતિનું દેવાળું નીકળી ગયું છે. આ એવી તાનાશાહી છે જે તેના શાસકો સિવાય કોઇ ઇચ્છતું નથી. એમણે અમેરિકનોને વિનંતી કરી હતી કે તેઓ ચીની પ્રજાની પડખે ઊભા રહે અને ચીનમાં વ્યવસ્થા પરિવર્તનમાં ચીની લોકોને મદદ કરે.

પણ આટલી ઝડબેસલાક, મજબૂત તાનાશાહીને ફગાવી દેવાનું બંધિયાર ચીનમાં એટલું આસાન નથી. અમેરિકનો કે અન્ય કોઇ પ્રજા ધારે તો પણ ચીનાઓની મદદે કઇ રીતે જઇ શકે જયાં સામ્યવાદી પક્ષની ઇચ્છા વગર ઝાડનું પાન હાલતું નથી. છતાં સ્વાભાવિક છે કે ચીન માઇક પોમ્પીઓના આ વાકયોને બિલકુલ હળવાશથી ન લે. પોમ્પીઓ આડકતરી રીતે ચીનની પ્રજાને સામ્યવાદી શાસનને ઊખાડી ફેંકી દેવાની પ્રેરણા આપી રહ્યા હતા. જીભાજોડીનો એ સમય જતો રહ્યો, પણ સાવ જતો રહ્યો નથી. ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ જો બાઇડને ચીનને દુશ્મન તરીકે પ્રથમ પ્રાયોરિટી આપી છે. અફઘાનિસ્તાનમાંથી અચાનક જતા રહેવા માટે બાઇડને કારણ આપ્યું કે એ પોતે ચીનને લક્ષય બનાવવા માટે પૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

અફઘાનિસ્તાન પ્રાયોરિટીમાં નહોતું રહ્યું તેથી રેઢું મૂકી દીધું. ચીન સાથે દુશ્મનાવટ જાહેર કરવા આનાથી વધુ શબ્દો બોલવાની જરૂર રહેતી નથી. અમેરિકાએ બિઝનેસને લગતાં કેટલાંક નિર્ણયો લીધા અને દુનિયા પાસે લેવડાવ્યા તેથી ચીનની રફતાર થોડી ધીમી પડી. તેમાં કોરોના અને યુક્રેન-રશિયા યુદ્ધે બળતામાં ઘી હોમ્યું છે. ત્રીજી વખત હોદ્દો સંભાળતી વેળાએ શી ઝિનપિંગે પણ અમેરિકાનું સીધેસીધું નામ નહીં લઇને પણ ઉચ્ચાર્યું કે અમુક દેશ ચીનની પ્રગતિની ઝડપના માર્ગમાં રોડાં નાખીને, ભાંગફોડ કરાવીને માર્ગને અવરોધવાના પ્રયત્નો કરી રહ્યા છે.

આ સમયે ચીને લડી લેવાનો મજબૂત ઇરાદો રાખવાની અને પૂર્ણપણે આત્મનિર્ભર બનવાની ખાસ જરૂર છે તેમ શી બોલ્યા. ચીન ઘણી મહત્વની ટેકનોલોજીઓમાં અમેરિકા કરતા પાછળ છે અને તેમાં ઝિનપિંગ આત્મનિર્ભરતા આણવા માગે છે. શીના એ કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં અપાયેલા પ્રવચનના આગલા દિવસે જ જો બાઇડન તંત્ર દ્વારા નેશનલ સિકયોરિટી સ્ટ્રેટેજીનો રિપોર્ટ જાહેર કરાયો હતો તેમાં બાઇડને કહ્યું છે કે દુનિયામાં હાલમાં જે રાજકીય વ્યવસ્થાઓ છે તેને ચીન બદલવા માંગે છે. વર્લ્ડ ઓર્ડરમાં ચીન મોખરે થવા માગે છે.

અમેરિકાએ ચીનને અદ્યતન ટેકનોલોજી, સેમિ કન્ડકટરો, ચીપ્સ વગેરે નિકાસ કરવા પર સખત અંકૂશો જાહેર કર્યા હતા. નવા નિયમો પ્રમાણે ચીન પશ્ચિમની ટેકનોલોજી વડે સુપર કોમ્પ્યુટરો અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સનું નિર્માણ નહીં કરી શકે. જે કરવું હશે તે પોતાની રીતે કરવું પડશે. અમેરિકા માને છે કે આ પ્રકારની ટેકનોલોજી વડે ચીન વિશ્વમાં પોતાનું એક અજેય લશ્કર અને સંરક્ષણ તૈયાર કરી શકે છે. માટે તેને તે ન અપાય તેમાં જ અમેરિકા અને પશ્ચિમનું હીત છે. માત્ર એટલું જ નહીં પણ અમેરિકા હવેથી ચીન કરતા ખૂબ આગળ નીકળવાના પ્રયત્નો કરશે અને બન્ને દેશો વચ્ચેની ટેકનોલોજિક ગેપ વધુને વધુ પહોળી રહે તેવા ખાસ પ્રયત્નો હાથ ધરશે તેમ એ સ્ટ્રેટેજી રિપોર્ટમાં જણાવાયું છે.

પરંતુ ઝિનપિંગે હોદ્દો ગ્રહણ કર્યા બાદ બન્ને મોરચે મૌન છવાયું છે. અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોનો ચીને કોઇ આધિકારિક પ્તત્યુત્તર આપ્યો નથી. કોઇ વળતાં પગલાં જાહેર કર્યા નથી. ગયા ઓગસ્ટમાં અમેરિકાની સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ ચીનની સખત નારાજગી છતાં ચીનને કાંઠે આવેલા તાઇવાન (ટાપુ)ની મુલાકાત લીધી. તાઇવાન સ્વતંત્ર અને પ્રગતિશીલ દેશ છે પણ ચીનાઓ તેને પોતાનો જ એક ભાગ ગણાવે છે. ચીન ખૂબ ધૂઆપૂઆ થયું. શસ્ત્રો પણ આડીઅવળી દિશામાં છોડયા. ચીનના અમુક ટોચના અધિકારીઓ ખાનગી મિટિંગમાં નેન્સીના વિમાનને તોડી પાડવાની પણ હિમાયત કરી હતી.

બાદમાં ચીને અમેરિકા સાથે કોઇ વાતચીત કે વાટાઘાટો ન કરવી એવો નિર્ણય લીધો. ચીન ખાતેના અમેરિકી રાજદૂતોને તેડાવીને ચીન સરકારે રજૂઆત કરી કે અમેરિકા પોતાની ભૂલ સ્વીકારીને માફી માગે. પર્યાવરણને લગતી વાતચીતો બંધ કરી. ઉત્તર કોરિયાએ મિસાઇલનાં પરીક્ષણો કર્યા તેની યુનોમાં ઠરાવ પસાર કરીને નિંદા  કરી પરંતુ ચીને એ નિંદા પ્રસ્તાવને બ્લોક કરી દીધો. અગાઉ આવા મુદ્દા પર ચીન અમેરિકાને સાથ આપતું હતું. હવે નવેમ્બરના, મતલબ કે આ મહિનાના મધ્યમાં ઇન્ડોનેશિયાના બાલી ખાતે જી-7 દેશોની પરિષદ મળવાની છે.

વોશિંગ્ટનમાં એ માટેની તૈયારીઓ ચાલી રહી છે કે જેમાં ચીનને સમજાવવામાં આવે કે બે દેશો વચ્ચેનું ઘર્ષણ યુદ્ધમાં પરિણમવું જોઇએ નહીં. જી-૨૦ પરિષદમાં યુક્રેન, ઉત્તર કોરિયા, રશિયા, પુતીન વગેરે વિષે અનેક પ્રકારની ચર્ચા, વાટાઘાટો થશે. નવી પરિસ્થિતિઓમાં પશ્ચિમના શકિતશાળી દેશો ચીન સાથે કેવો અભિગમ દાખવે છે અને ચીન પોતે કેવો અભિગમ દાખવે છે તે જાહેર થશે. શી ઝિનપિંગે ઘરઆંગણે પણ લડવાનું છે. સખત સમુખત્યારી સામે ચીનની પ્રજા અકળાઇ ઊઠી છે. જો એ બીજે કયાંય લડવા જાય તો ઘરઆંગણે જ વિપ્લવ ફાટી નીકળે એ દહેશત છે. ઘરઆંગણે બધા સારાવાના નથી. હવે પછીનાં વરસોમાં પશ્ચિમ અને પૂર્વ વચ્ચે એક નવા પ્રકારનો વિખવાદ જોવા મળશે તેમાં કોઇ શંકા નથી. કદાચ હમણાનું મૌન અશાંતિ પૂર્વેનું મૌન હોઇ શકે.

Most Popular

To Top