સુરત સચિન ગેસકાંડની તપાસ દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ બીસી.પટેલની કમિટિ કરશે

સુરત: (Surat) ગઇ તારીખ 06-01-2022 ના રોજ સુરતના સચિન જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં આવેલી ઉન ખાડીમાં ટેન્કર ભરેલું હાઇકેલ કંપનીનું પ્રદૂષિત કેમિકલ વેસ્ટ ઠાલવવા જતા સર્જાયેલી ગેસકાંડની ઘટનામાં 6 મજૂરોના મોત અને 23 કર્મચારીઓને થયેલી ગેસ ગુંગડામણની અસરના કેસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (National Green Tribunal) સુરતના પર્યાવરણવીદ એમ.એસ.એચ.શેખની સંસ્થા બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટરની પિટિશનનો લેખિત ઓર્ડર જાહેર કર્યો છે. આ સમગ્ર ગેસકાંડની તપાસ જમ્મુ-કાશ્મીર અને દિલ્હી હાઇકોર્ટના (High Court) નિવૃત ચીફ જસ્ટિસ બીસી.પટેલના નેતૃત્વ હેઠળની 9 સભ્યોની તપાસ કમિટી કરશે.આ કમિટી બે મહિનામાં તમામ પક્ષકારોને સાંભળીને બે મહિના કલેક્ટર અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને રિપોર્ટ સબમિટ કરશે.

કમિટી આ દુર્ઘટનાથી પર્યાવરણ, માનવ જીવન અને જીવ સૃષ્ટિને થયેલા નુકસાનના વળતરનું આકલન કરશે સાથે સાથે પીડિતોને વળતર અને પુન:સ્થાપન માટે વળતરની અલગથી ભલામણ કરશે. સમિતિ આ દુર્ઘટના માટે જવાબદાર -ઘટનાઓનો ક્રમ,તેના કારણો, જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ નિષ્ફળતા, નુકસાનની માત્રા, જીવસૃષ્ટિને નુકશાન, પર્યાવરણને નુકશાન, પીડિતોના વળતર અને પુનઃસ્થાપન માટે પગલાં, પર્યાવરણના પુનઃ સ્થાપનનો ખર્ચ, દુર્ઘટના અટકાવવા માટે ઉપચારાત્મક પગલાં, અન્ય કોઈ આકસ્મિક અથવા સંલગ્ન મુદ્દાઓ બાબતે તપાસ કરશે. જેમાં કાંસ માં મોજૂદ એસિડ ની હાજરી ની પણ તપાસ કરવામાં આવશે. જેની નોડલ એજન્સી સીપીસીબી રહેશે અને જીપીસીબી કોઓર્ડિનેશન અને કોમ્પલાયન્સ કરશે અને બે મહિનામાં રિપોર્ટ આપશે.

જિલ્લા કલેકટર વળતર વસુલાત અને પુનઃ સ્થાપન કાર્ય કરશે.તે ઉપરાંત મુખ્ય સચિવ( ગુજરાત રાજ્ય) જોખમી કચરા વ્યવસ્થાપન નિયમો, 2016નું પાલન અને સ્થિતિની સમીક્ષા કરશે અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં રહી ખામીઓ દૂર કરવા પગલાં ભરશે. સીપીસીબી, જીપીસીબી, જિલ્લા મેજિસ્ટ્રેટ સુરત અને મુખ્ય સચિવ આ કાર્યવાહીનો અહેવાલ ચાર મહિનાની અંદર રજિસ્ટ્રાર એનજીટીમાં દાખલ કરશે. ટેન્કરમાંનું રસાયણ આલ્કલાઇન હતું જ્યારે ખાડીમાંનું રસાયણ એસિડિક હતું. જેથી બંને વચ્ચે પ્રક્રિયા થઈ સાઈનાઇડ અને સલ્ફર યુક્ત ગેસ બન્યો હોવાની આશંકા છે.જેને લીધે નજીકની વિશ્વાપ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતા કામદારોના મૃત્યુ થયા હતાં. પિટિશનમાં પર્યાવરણવિદ એમએસએચ.શેખએ દાવો કર્યો છે કે ટેન્કરમાં આવેલુ કેમિકલ ખૂબ જ જોખમી હતું. જેનું પીએચ લગભગ 14 આલ્કલાઇન હતું અને ખાડીનું પીએચ લગભગ 1થી નીચે એટલે એસિડિક હતું. જેને લીધે એસિડ બેસ પ્રક્રિયા થઈ સાઈનાઇડ તેમજ સલ્ફાઇડ ગેસ બન્યા હોય શકે છે. અને એ તીવ્રતાથી ફેલાતા 6 કામદારોના મૃત્યું થયાં હતાં. એનજીટી વેસ્ટ ઝોનમાં ઑએ નં. 05/2022 થી તા. 06-01-2022ના રોજ ઓનલાઇન પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી તા. 16-01-2022ના રોજ થઈ હતી. આ પિટિશનનો પ્રથમ લેખિત ઓર્ડર જાહેર થયો છે. સુનાવણીના દિવસે સીપીસીબીએ આ દુર્ઘટના બાબતે ટ્રિબ્યુનલમાં ટેન્કરમાંથી નીકળેલુ કેમિકલ પ્રદૂષણ અને તેના મિંઢોળા નદી સુધી ફેલાવાને રિપોર્ટ સ્વરૂપે મુક્યો હતો.

આ 9 નિષ્ણાતોની કમિટી દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે
એનજીટી દ્વારા 9 નિષ્ણાટોની જોઇન્ટ કમિટી બનાવવામાં આવી છે જેમાં નેશનલ હ્યુમન રાયટ્સ કમિશનના પૂર્વ ચેરમેન અને જમ્મુ કાશ્મીર તથા દિલ્હી હાઈકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ બી સી પટેલ, પર્યાવરણ મંત્રાલયના સભ્ય, સીપીસીબીના સભ્ય, જીપીસીબીના સભ્ય, ઔધોગિક વિભાગના સભ્ય, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય, એસએસપી સુરત, કેમિકલ એન્જિનિરીગ વિભાગ આઈઆઈટીના સભ્ય અને જિલ્લા કલેકટર સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોમ્પ્લાયન્સ રિપોર્ટ તૈયાર કરીને કલેક્ટરે આ દુર્ઘટનામાં પર્યાવરણને થયેલ નુકશાન તેમજ લોકોના જીવનને થયેલ નુકસાનનું નિરીક્ષણ કરીને વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે.

મુંબઇ અને સચિનની કંપનીઓ કસૂરવાર ઠરશે તો કરોડોનું વળતર ચૂકવવાનો વારો આવશે
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પર્યાવરણ, માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને થયેલા નુકશાન માટે વળતરનું આકલન કરવા ઉપરાંત તપાસ સમિતિને પીડિતોને વળતર અને પુન:સ્થાપન માટે અલગથી વળતરનું આકલન કરી રિપોર્ટ આપવા કહ્યું છે તે જોતા મુંબઈની હાઈકેલ કંપની અને સચિન જીઆઇડીસીની 3 કંપનીઓ તપાસમાં કસૂરવાર ઠરશે તો કરોડોનું વળતર સરકારને,મૃતકોના પરિવારજનોને અને અસરગ્રસ્તોને ચૂકવવું પડશે.

Most Popular

To Top