SURAT

મનપાની સામાન્ય સભામાં શાસક-વિપક્ષના નગરસેવકો વચ્ચે પાટીદાર રાજકારણ ગરમાયું

સુરત: સુરત મનપાની (Surat Municipality) સભામાં ફરી એકવાર પાટીદાર સમાજનું (Patidar society) રાજકારણ ગરમાયું હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બની રહેલા સરદારધામના (Sardar Dham) પ્રોજેક્ટમાં (Project) પેઈડ એફ.એસ.આઈ.ની માફી માટેની દરખાસ્ત પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ભાજપના દક્ષેશ માવાણીએ વિપક્ષને એવું સંભળાવ્યું હતું કે, તમારા મુખ્યમંત્રી આટલી બધી વખત ગુજરાત આવ્યા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પ્રતિમાનાં દર્શન કરવા નથી ગયા અને તેનો વિરોધ કરે છે. હવે આ જગ્યા પર સરદારની પ્રતિમા મુકાશે તેને તો ફૂલહાર કરજો. જો કે, વિપક્ષે આપના પાટીદાર નગરસેવકો સામે રોકડું પરખાવ્યું હતું કે, ભાજપે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરાવી નાંખ્યું છે, તેને પહેલા ફરીથી સરદાર પટેલનું નામ આપો પછી વાત કરો.

વિપક્ષ આનો વિરોધ કરે છે તેવો આક્ષેપ કરતાં મામલો ગરમાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, ટીપી સ્કીમ નં.85 (સરથાણા-પાસોદરા-લસકાણા) તથા ટીપી સ્કીમ નં.58 (વાલક)માં ફાઈનલ પ્લોટ નં.58 અને 16 એ વાળી જગ્યામાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા હોસ્ટેલ બની રહી છે. આ હોસ્ટેલ માટેના બાંધકામમાં 3.87 કરોડની પેઈડ એફ.એસ.આઈ. માફ કરવા માટેની દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર ભાજપના ધર્મેશ ભાલાળાએ ચર્ચા કરતા જણાવ્યું હતું કે, આ જગ્યાએ 1000 વિદ્યાર્થી અભ્યાસ કરશે અને તેના ભાવીના ઘડતરમાં મનપાનું યોગદાન રહેશે. જ્યારે શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતે પાટીદાર સમાજના હોસ્ટેલની કામગીરીને વખાણીને વિપક્ષ આનો વિરોધ કરે છે તેવો આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો અને આપના મહેશ અણઘડે ડેપ્યુટી મેયર જોધાણીને ચર્ચામાં ઘસડી કહ્યું હતું કે, તમે પાટીદાર સમાજના છો, તમે કંઈ બોલો.

ડ્રેનેજ, પાણીની સુવિધા ત્વરિત પૂરી પાડવી જોઈએ
જે લોકો પાટીદાર સમાજનો ઈતિહાસ જાણતા નથી તેઓ આવી રીતે ખોટી વાતો કરી ડખા કરે છે. માત્ર પેઈડ એફ.એસ.આઈ.માં માફી આપવાથી કંઇ નહીં થાય, આ વિસ્તાર પાલિકામાં સમાવેશ થયોને બે વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આ વિસ્તાર માટે ડ્રેનેજ, પાણીની સુવિધા ત્વરિત પૂરી પાડવી જોઈએ અને આ વિસ્તારમાં જે ચોક છે તેને મણીબેન પટેલ ચોક નામ આપવું જોઈએ તેવી માંગણી કરી હતી. દરમિયાન દક્ષેશ માવાણીએ ચર્ચામાં ઝંપલાવી ઉપરોક્ત વાક્યો કહેતાં સામસામે જોરદાર વાકપ્રહારો થયા હતા.

Most Popular

To Top