Business

સુરતના મિલમાલિકોએ આ કારણોસર જોબચાર્જમાં ઘટાડો નહીં કરવાનો નિર્ણય લીધો, હવે આવતા અઠવાડિયે આ મુદ્દે કરશે ચર્ચા

સુરત: (Surat) દિવાળી (Diwali) પછી નવેમ્બરમાં (November) બે તબક્કે ડાઇઝ, કલર-કેમિકલના (Color chemical) ભાવ 8થી 25 ટકા વધી જતાં સુરત ટેક્સટાઇલ (Textile) ક્લસ્ટરની 350 મિલોના (Mills) માલિકોએ કાપડ પ્રોસેસિંગ (Processing) અને ડાઇંગના જોબચાર્જમાં (Job charges) ઘટાડો નહીં કરવાનું નક્કી કર્યું છે. કેમિકલ અને ડાઇઝ સહિતનાં રો-મટિરિયલના ભાવ સતત વધી રહ્યા છે. બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં લિગ્નાઇટની કિંમતમાં 15થી 20 ડોલરમાં મેટ્રીક ટન દીઠ ઘટાડો થયો છે. તેના લીધે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનની કારોબારીની બેઠક સોમવારે રદ કરવામાં આવી હતી. તેના બદલે હવે આગામી સપ્તાહે સામાન્ય સભા બોલાવી જોબચાર્જના મામલે ભાવની વધઘટ અંગેનો નિર્ણય લેવાશે.

જો કે, SGTPA દ્વારા મિલમાલિકોને નુકસાન વેઠીને ભાવ ઘટાડો નહીં કરવા મેસેજ મોકલાયા છે. કારણ કે, ચીનની પરિસ્થિતિને જોતાં હજી પણ ડાઇઝ, કલર-કેમિકલ અને અન્ય રો-મટિરિયલના ભાવો વધી શકે છે. SGTPAના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં કોલસાની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન હજી વધુ મોંઘું પડી રહ્યું છે. બીજી તરફ ડોમેસ્ટિક કોલસાની ખાણના સંચાલકો અને સરકારી કંપનીઓએ નવેમ્બર મહિના માટેનો કોલસો નવા ભાવવધારા સાથે મોકલ્યો છે. તેના લીધે કાપડનું કોસ્ટિંગ દિવાળી પહેલાં હતું તેનાથી પણ વધ્યું છે. છતાં હાલ તુરંત જોબચાર્જમાં નવો વધારો જાહેર કર્યો નથી. આગામી સપ્તાહે મિલમાલિકો સાથે ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં કોલસાના ભાવ 15 ડોલર ઘટ્યા, સામે શિપિંગ-કન્ટેનર ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધી ગયો

કાપડ ડાઇંગ અને પ્રોસેસિંગ કરવા માટે મુખ્ય 60થી 70 પ્રકારનાં કેમિકલ અને ડાઇઝનો ઉપયોગ થાય છે. તે તમામ રો-મટિરિયલની કિંમત ખૂબ વધી ગઇ છે અને હજી પણ વધી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાંથી જે આયાતી કોલસો સુરત આવે છે. તેમાં શિપિંગ ચાર્જ-કન્ટેનર ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધી ગયા છે. અગાઉ ઓર્ડર અપાયા પછી 30 દિવસમાં કોલસો પોર્ટ પર આવી જતો હતો, તે હવે 3થી 4 મહિને આવી રહ્યો છે.

Most Popular

To Top