SURAT

સુરતમાં ભેસ્તાન-કામરેજની ગૌશાળામાં લમ્પી વાયરસ ફેલાયો

સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યા બાદ સુરત શહેરમાં પશુઓમાં (Animal) લમ્પી વાયરસના (Lumpy Virus) લક્ષણ જોવા મળતાં વહીવટી તંત્ર સાબદું થઈ ગયું છે. સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલ ગૌશાળા સહિત કામરેજમાં બે સ્થળે પાંજરાપોળમાં રાખવામાં આવેલા ઢોરોમાં લમ્પી વાયરસના લક્ષણનો જોવા મળ્યા હતા. જેને પગલે જિલ્લાના પશુપાલન વિભાગ સહિત સુરત મહાનગર પાલિકા દ્વારા પશુઓના વેક્સિનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અલગ – અલગ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતાં માલધારી સમાજ સહિત પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. એક પશુથી બીજા પશુમાં ફેલાતા આ ચેપી રોગને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ યુદ્ધના ધોરણે પશુઓના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન સુરત શહેર – જિલ્લામાં પણ પાંજરાપોળ અને ગૌશાળા સહિતના સ્થળોએ લમ્પી વાયરસના લક્ષણ ધરાવતાં પશુઓને આઈસોલેશન કરવાની સાથે – સાથે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી સુરત શહેરમાં 350 જેટલા ઢોરોને અને જિલ્લાના અલગ – અલગ તાલુકાઓમાં 10 હજારથી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, લમ્પી વાયરસથી પશુપાલકો કે માલધારીઓએ ડરવાની કોઈ આવશ્યકતા નથી. લમ્પી વાયરસના લક્ષણ ધરાવતાં ઢોરોને અલગ રાખવામાં આવે તો તેના પર નિશ્ચિતપણે કાબુ મેળવી શકાય છે.

હાલના તબક્કે શહેરના ભેસ્તાન ખાતે આવેલ ગૌશાળા સહિત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ આખાકોલ અને છારોલી પાંજરાપોળમાં લમ્પી વાયરસના લક્ષણો ધરાવતાં છ જેટલા કેસ નોંધાવા પામ્યા છે. જેને પગલે આ તમામ ઢોરોને આઈસોલેશનમાં રાખવાની સાથે પાંજરાપોળ – ગૌશાળામાં અન્ય ઢોરોના વેક્સિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળતા લક્ષણો

  • પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.
  • પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે
  • ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે


આ એક લમ્પી સ્કિન ડિસીઝ રોગ
સુરત જિલ્લા પશુ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ કરીને રોગ છે. જેની અંદર માખી-મચ્છરના ઉપદ્રવથી ફેલાતો રોગ છે. આ રોગમાં પશુઓને ખૂબ તાવ આવવો, શરદી રહેવી, શરીર પણ ગઠ્ઠા થવા જેવા લક્ષણો જોવા મળે છે. હાલના તબક્કે તપાસ હાથ ધર્યા બાદ અલગ – અલગ વિસ્તારોમાં પશુઓના વેક્સિનેશનની કામગીરી ચાલુ કરી દીધું છે.

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા આ કરો
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ રાખવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવો. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓને રસી આપવી.

Most Popular

To Top