Dakshin Gujarat

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.48ના કડોદરા જંક્શન પર અંડરપાસનું લોકાર્પણ

પલસાણા, અંત્રોલી: સુરત-કડોદરા (Surat Kadodra) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.48ના જંક્શન (Junction) ઉપર કડોદરામાં 110 કરોડના ખર્ચે નિર્મિત અંડર બાયપાસને (Under Bypass) રાજ્યના નાણામંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ અંડર બાયપાસથી સુરત-બારડોલીના (Surat Bardoli) વાહનચાલકો સાથે કડોદરાના નાગરિકોને પણ ટ્રાફિકમાંથી છૂટકારો મળ્યો હતો.

  • કડોદરામાં અંડરપાસનું લોકાર્પણ: 25 લાખ લોકોને રાહત થશે
  • કડોદરા ચાર રસ્તા ખાતે નિર્મિત 110 કરોડ અંડરપાસનું ગુજરાતના નાણા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત-કડોદરા-બારડોલી રોડ તથા નેશનલ હાઈવે નં.48નું જંક્શન હોવાથી કડોદરા વિસ્તારમાં રિયલ એસ્ટેટમાં આવેલી તેજીએ ઘણા ઉદ્યોગપતિઓને ઈન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ માટે આકર્ષિત કર્યા છે. જેના કારણે ઘણા ઈન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ અને રહેણાક પ્રોજેક્ટ્સનું કામ પૂરજોશમાં કડોદરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. સુરત-બારડોલી રોડના કારણે બારડોલી, વ્યારા, નાશિક તેમજ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેત ઉત્પાદનો અને અન્ય જુદી જુદી પ્રોડક્ટ પરિવહન કરી સુરતના માર્કેટમાં લાવવામાં આવે છે.

દરમિયાન પહેલા કડોદરા ચાર રસ્તા ક્રોસ કરવો એ માથાનો દુખાવો હતો. લોકોએ પંદરથી વીસ મિનિટ તડકે શેકાવું પડતું હતું, પણ હવે એ દિવસો ગયા. આ અંડરપાસ બનવાથી 25 લાખ લોકોને રાહત થશે. આ અંડર બાયપાસ માટે રાજ્ય સરકારે 110 કરોડનું બજેટ ફાળવેલું, અને માર્ગ અને મકાન વિભાગે માત્ર 99 કરોડના ખર્ચે જ આ અંડરપાસનું નિર્માણ કરી બતાવ્યું. આ અંડરપાસ થકી સુરતના સારોલી, કુંભારિયા, અંત્રોલી, નિયોલ, વરેલી, કડોદરા જેવાં ગામો તથા બારડોલી, વ્યારા તથા આજુબાજુના વિસ્તારના અંદાજે 5 લાખ લોકોને રોજિંદા વાહન વ્યવહારમાં આ અંડરપાસ અત્યંત ઉપયોગી નીવડશે.

આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકારનાં વિવિધ વિકાસલક્ષી કામો અંગે સમજ આપી હતી. ધારાસભ્ય ઈશ્વર પરમારે આ અંડર બાયપાસ માટે નગરમાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી શરૂઆતમાં ઓવર હાઈટ બ્રિજ માટે રજૂઆત કરી હતી, પરંતુ 198 કરોડનો વહીવટ ખર્ચ આવતાં અંડર બાયપાસ માટે 110 કરોડની વહીવટી મંજૂરી મળી હતી.

કડોદરા પાલિકા દ્વારા 2.20 કરોડના ખર્ચે તૈયાર થયેલો સીસીટીવી પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો
પલસાણા: ગુરુવારે કડોદરા ચાર રસ્તા ખાતે નવા બનાવવામાં આવેલા અંડરપાસનું ઉદઘાટન ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરાયું હતું. તેની સાથે કડોદરા નગર પાલિકા દ્વારા અંત્રોલીના સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં 2.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા CCTV કેમેરાના કંટ્રોલ રૂમનું ઉદઘાટન પણ કરાયું હતું. આ ઉપરાંત કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ઊભા કરાયેલા સુરત ગ્રામ્યના સાઇબર અને ટેક્નિકલ પોલીસ સ્ટેશનનું પણ ઉદઘાટન કરાયું હતું. આગામી દિવસોમાં ટેક્નિકલ સાધનો અને સ્ટાફની નિમણૂક કરાશે. અને કડોદરા પોલીસ સ્ટેશનથી સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થશે.

Most Popular

To Top