SURAT

નવી કોર્ટમાં દાલ ચાવલ અને ગડ્ડી ગેંગ વચ્ચે રાયોટીંગના ગુનામાં ગડ્ડી ગેંગનો સુત્રધાર ઝડપાયો

સુરતઃ (Surat) નવી કોર્ટ બિલ્ડીંગમાં થોડા દિવસ પહેલા દાલ ચાવલ અને ગડ્ડી ગેંગ (Gang) વચ્ચે મારામારી થઈ હતી. ઉમરા પોલીસે રાયોટીંગનો (Rioting) ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીની (SOG) ટીમે મુખ્ય સૂત્રધાર ઇમરાન ગડ્ડી તેના બે સાગરીતો સાથે સુરત બસ સ્ટેશન પર શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા એસઓજીએ તેને ઝડપી પાડયા હતા.

  • નવી કોર્ટ બિલ્ડીંગમાં દાલ ચાવલ અને ગડ્ડી ગેંગ વચ્ચે થયેલા રાયોટીંગના ગુનામાં ગડ્ડી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ત્રણની ધરપકડ
  • ઇમરાન ગડ્ડી અને તેના બે સાગરીત સુરત બસ સ્ટેશન પર શહેર છોડીને ભાગવાના ફિરાકમાં હતા

કોર્ટ બિલ્ડીંગની અંદર ગત 1 માર્ચે દાલ ચાવલ અને ગડ્ડી ગેંગ વચ્ચે મારામારી અને ઝઘડો થયો હતો. દરમિયાન પોલીસ આવી જતા બધા ત્યાંથી નાસી ગયા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને આ બન્ને ગેંગ પૈકી ગડ્ડી ગેંગના મુખ્ય સુત્રધાર ઇમરૂદ્દીન ઉર્ફે ઇમરાન ગડ્ડી તેની ગેંગના બે સભ્યો સાથે સુરત છોડવાની ફીરાકમાં બસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. અને આરોપી ઇમરૂદીન ઉર્ફે ઇમરાન ગડ્ડી અમીરૂદીન શેખ (રહે. ઘર નં.૬૫ સી/૮ બિલ્ડીંગ માનદરવાજા ટેનામેન્ટ સલાબતપુરા), ભરત ઉર્ફે ભરત પચ્ચીસ ઉર્ફે સોનુ પ્રકાશભાઈ મુંદવણે (રહે. મકાન નં. ૬૩૫ મોરારજી વસાહત તિવારી નગરની પાસે ઉધના) તથા આકાશ ઉર્ફે માયા જવાહરસિંગ ચાહર (ઉ.વ.૨૨ રહે. મકાન નં.૧૪૯/૧૫૦ રોશન મંઝીલ અરીંહત કોમ્પ્લેક્ષ નજીક ઉધના) ને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ
આરોપી ઇમરૂદીન ઉર્ફે ઇમરાન ગડ્ડીની સામે પાંડેસરા પોલીસ, સચીન જીઆઈડીસી, ખટોદરા, અઠવા, સલાબતપુરા, રાંદેર પોલીસ સ્ટેશનમાં મળીને કુલ 13 ગુના દાખલ છે. જ્યારે આરોપી ભરત ઉર્ફે ભરત પચ્ચીસ ઉર્ફે સોનુ સામે ખટોદરા, ઉધના, ડિંડોલીમાં 4 ગુના દાખલ છે. જ્યારે આરોપી આકાશ ઉર્ફે માયા જવાહરસિંગ ચાહર સામે ઉધા પોલીસમાં અને સુરત રેલ્વે પોલીસમાં બે ગુના દાખલ છે.

Most Popular

To Top