SURAT

સુરતમાં બાપ્પાને વિદાય આપતા નાની બાળકી ધ્રુસકે – ધ્રુસકે રડી પડી

સુરત: સુરતમાં 10 દિવસ દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ આજે આખરે બાપાને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. સુરતમાં વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિસર્જન યાત્રા નીકળી રહી છે. હાલમાં વિસર્જન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સરથાણા, અડાજણ, લીંબાયત, ડુમસ, કતારગામ જેવા વિસ્તારોમાં વિસર્જન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જો કે બપોર બાદ માહોલ જામશે. હાલમાં તમામ મોટી મૂર્તિઓ ડુમ્મસ તેમજ હજીરા ખાતે દરિયામાં વિસર્જિત કરવામાં આવી રહી છે. જ્યારે નાની મૂર્તિઓનું વિસર્જન કુત્રિમ તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ભક્તો દ્વારા ઢોલ નગારા તેમજ ડીજેના તાલે ભીની આંખે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાનાં કમિશ્નર બચ્છાનિધિ પાની દ્વારા વિવિધ કુત્રિમ ઓવારાઓનો રાઉન્ડ લીધો હતો. તેમજ ઓવારા પર થઇ રહેલી વિસર્જનની પ્રક્રિયાનું નિરક્ષણ કર્યું હતું.

શ્રીજીને વિદાય આપતા નાની બાળકી પોક મૂકીને રડી
સુરતમાં શ્રીજીને લોકો ભીની આંખે વિદાય આપી રહ્યા છે. બાપ્પાની વિદાય કરતી સમયે એક લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ડુમસ દરિયા કિનારે એક બાળકી પોતાના પરિવારજનો સાથે ગણેશજીનું વિસર્જન કરવા માટે આવી હતી. પરિવારજનો બાપ્પાની અંતિમ આરતી કરી રહ્યા હતા તે સમયે જ આ બાળકી ધ્રુસકે – ધ્રુસકે રડી પડી હતી.

2 વાગ્યા સુધીમાં 15 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન
સુરતમાં બપોર બાદ વિસર્જન યાત્રાનો માહોલ જામી રહ્યો છે. લોકો વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપી રહ્યા છે. ત્યારે સુરતમાં 19 કુત્રિમ ઓવારા ઉપર વહેલી સવારથી દુંદાળા દેવનું વિસર્જન થઈ રહ્યું છે સવારે છ વાગ્યાથી શરૂ થયેલી વિસર્જન યાત્રામાં અત્યાર સુધી 1410 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. સવારે છ થી સાત વાગ્યાના એક કલાકમાં 30 મૂર્તિ સાત થી આઠ વાગ્યા સુધીમાં 104 મૂર્તિ થી નવ વાગ્યા સુધીમાં 374 મૂર્તિ અને 9 થી 10 વાગ્યા સુધીમાં 902 મૂર્તિનું વિસર્જન શહેરના તમામ કુત્રિમ તળાવ પર કરવામાં આવ્યું હતું. હજીરા જેટી પર નાની 52 અને મોટી 5 મૂર્તિઓ મળી 11 વાગ્યા સુધીમાં 57 મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી જ્યારે 12 વાગ્યા સુધીમાં 180 મૂર્તિઓ વિસર્જિત કરાઈ છે. સુરત શહેરનાં વિવિધ કુત્રિમ તળાવોમાં 10થી 11 વાગ્યા સુધીમાં 3580 મૂર્તિઓનું વિસર્જિન કરાયું હતું. સુરતના 19 ઓવારા પર વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં 11 હજાર મૂર્તિનું વિસર્જન કરાયું હતું. જ્યારે 2 વાગ્યા સુધીમાં 15637 મૂર્તિઓનું વિસર્જન કરાયું છે. હજીરા જેટી પર 144 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

લિંબાયત વિસર્જન યાત્રા ધીમી ગતિએ
લિંબાયત વિસ્તારમાં દર વર્ષે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સવારથી શરૂ થઈ જતું હોય છે. અને બપોરે 12 વાગ્યા સુધીમાં તો વિસર્જન યાત્રા પૂર્ણ થઈ જતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ ગણેશ સ્થાપનાને લઈ ભારે ઉત્સાહ હતો અને વિસર્જનને લઈને પણ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને કારણે હજુ સુધી લિંબાયત વિસ્તારમાં લોકોએ ગણેશ વિસર્જન યાત્રા કાઢી નથી. સવાર થી અત્યાર સુધી માત્ર એકલદોકલ મૂર્તિઓનું વિસર્જન થયું હોવાનું જોવા મળ્યું છે કે મોટા ભાગની મૂર્તિઓ બપોર પછી લિંબાયત વિસ્તારમાં વિસર્જન માટે નીકળશે તેવું અનુમાન છે.

Most Popular

To Top