SURAT

ગણેશોત્સવ પહેલાં સુરતની ગણેશ ઉત્સવ સમિતિમાં ભડકો, હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

સુરત (Surat): એક સમયે માત્ર ધાર્મિક હેતુ સાથે ગઠીત થયેલી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિમાં (Surat Ganesh Utsav Samiti) છેલ્લા થોડા વરસોથી રાજકારણ (Politics) ઘુસી ગયું હોવાની કાનાફુસી તો ચાલતી જ હતી પરંતુ શુક્રવારે સમિતિના કાર્યકારી પ્રમુખ અનિલ બિસ્કીટવાલા (Anil Biscuitwala) પર જોહુકમી અને રાજકીય દખલગીરીના આક્ષેપ સાથે મહામંત્રી રજનીકાંત પટેલે રાજીનામું આપી દેતા સમિતિનો વિખવાદ સપાટી પર આવી ગયો છે.

છેલ્લા ઘણા વરસોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા રજનીકાંત છબીલદાસ પટેલે જણાવ્યું હતુ કે, હાલ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા જો હુકમી અને પક્ષપાતિ વલણ રાખતા હોઇ અને રાજકીય દખલગીરીથી તંત્ર ચલાવતા હોય વારંવાર મન દુ:ખની સ્થિતિ ઉભી થઇ રહી છે. તેથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના મહામંત્રી તરીકેના હોદ્દાનો ત્યાગ કરી રહ્યો છું સાથે જ કતારગામ વિસ્તારના અન્ય હોદ્દેદારો ચંદ્રકાતભાઇ નાઇ (કતારગામ પોલીસ સ્ટેશન સંયોજક), અનુપકુમાર આર. પટેલ (સહ સંયોજક), પ્રકાશભાઇ પરમાર (સહ સંયોજક), જેન્તીભાઇ પટેલ (સહ સંયોજક), નિરિક્ષકો સહીતના અન્ય સભ્યો તથા હોદ્દેદારોના સમર્થન સાથે સામૂહિક રાજીનામુ આપીએ છીએ.

રાજીનામા સાથે ઉપસ્થિત કરાયેલા મુદ્દાઓ

  • ગણેશ ઉત્સવ સમિતિમાં ઘણા વર્ષોની નિ:સ્વાર્થ સેવા કરવા છતાં મીટિંગ અને કોન્ફરન્સનું કોઇ અપડેટ મહામંત્રીને આપવામાં આવતું નથી, સંતો-મહંતો અને જાહેર મીટિંગોમાં મહામંત્રી રજનીકાંતભાઈ નિષ્ક્રિય છે. મીટિંગોમાં આવતા નથી તેવી ખોટી જાહેરાત કરવામાં આવી છે.
  • ઇનામ વિતરણમાં ચાલી રહેલી ગોબાચારી અને મનસ્વીતા.
  • કાર્યકારી પ્રમુખ પોતાની પ્રાઇવેટ પેઢી હોઇ તે રીતે વહીવટ કરી પક્ષપાતિ વલણ રાખતા હોઇ અને ધર્મના નામે રાજકીય દખલગીરીથી સમિતિનું તંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.
  • ઇનામ વિતરણ વ્યવસ્થામાં કતારગામ વિસ્તાર સાથે અન્યાયભર્યુ વર્તન કરતા આવે છે.
  • સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા થઇ રહેલા નોટબુક વિતરણમાં કતારગામ વિસ્તારના ફોર્મ ભરનાર બાળકોને નોટબુક વિતરણ ન કરી કતારગામ વિસ્તાર સાથે અન્યાય.
  • ગણેશ ઉત્સવ દરમ્યાન પી.આઇ. કતારગામ દ્વારા મહામંત્રી રજનીકાંતભાઇ પટેલ વિરુદ્ધ ખોટી એફ.આઇ.આર. દાખલ કરી. જે અંગત ઝઘધડો છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી જઇ સમિતિએ મહામંત્રીને કોઇ સહકાર આપ્યો નથી. સમિતિના કોઇ હોદ્દેદારો કે કાર્યકર્તા ઉપર કોઇ ફરિયાદ થાય તો સમિતિ સહકાર ન આપે તો સેવાનો અર્થ શું?
  • ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ટોપ – 20 આયોજકોને ઇનામ આપવામાં આવતા હતા. જેમાં પણ પ્રમુખના માનીતા મંડળોને જ ઇનામો આપી ‘ધર્મના નામે ભાગલા પાડો રાજ કરો’ની કુત નીતિ કરી રહ્યા છે જે અયોગ્ય છે.

Most Popular

To Top