Gujarat

હવામાન વિભાગની ફરી આગાહી: જાણો આ તારીખથી વરસશે ધોધમાર વરસાદ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદ (Heavy Rain) બાદ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ માછીમારીનો દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર એક્ટિવ થયું હોવાના કારણે રાજ્ય તરફ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. એક માહિતી અનુસાર સમગ્ર ગુજરાત પર તેની અસર નહિ થાય માત્ર સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમજ હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવાનારા બે સપ્તાહ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના કહ્યા પ્રમાણે લો પ્રેશર ગુજરાત તરફ પ્રવેશી રહ્યું છે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આગાહી અનુસાર દરિયામાં 40 થી 50 કિ.મી. ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. જેને લઈ દરિયો તોફાની બની શકે છે અને દરિયામાં ઊંચે સુધી મોજાઓ ઉછળવાની શક્યતા વર્તાશે. જે જોતા દરિયા કિનારાના વિસ્તારનાં લોકોને સચેત રહેવા તથા દરિયાની અંદર માછીમારોને નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. 

નવસારી, પોરબંદર, દીવ તથા ગીર સોમનાથનો દરિયો તોફાની બન્યો હોવાની વિગત સામે આવી છે. તેથી હાલ બે દિવસ પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 22થી 30 જુલાઈ સુધી ફરી ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં એક બાદ એક મુસીબતો આવી રહી છે. હાલમાં જ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂર આવ્યું હતુ. વલસાડ, નવસારી જિલ્લામાં હજી પૂરના પાણી ઓસર્યા નથી ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી આપી છે. જો કે 17 જુલાઈ બાદ વરસાદ વિરામ લેશે પરંતુ 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા પાંચ-છ દિવસમાં વરસાદે તારાજી સર્જી છે. સતત વરસી રહેલા વરસાદે દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર એક અઠવાડિયામાં સિઝનનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Most Popular

To Top