SURAT

સુરતના નાના વરાછા ખાતે રહેતા વ્યક્તિને બે યુવકોએ આ રીતે ભેરવ્યા

સાયણ: (Sayan) ઓલપાડના માસમા ગામે સુરત શહેરના નાના વરાછામાં રહેતા વૃદ્ધે સુરત શહેરના જ બે ઈસમ પાસે વેચાણ કરારથી રાખેલી ચાર પ્લોટના (Plot) નોટરી કરારમાં જમીનનું ૨૮૧ ચો.વાર ક્ષેત્રફળ માપ વધુ બતાવી બંનેએ વૃદ્ધ પાસેથી રૂ.૨૨.૫૦ લાખ વધુ ખંખેરી લીધા હતા. જે છેતરપિંડીનો (Fraud) મામલો ઓલપાડ પોલીસમથકમાં પહોંચતાં પોલીસે (Police) બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • પ્લોટનું ક્ષેત્રફળ વધુ બતાવી નાના વરાછાના વૃદ્ધ પાસે રૂ.22.50 લાખ રૂપિયા વધુ ખંખેરી લેવાયા
  • માસમા ગામે ચાર પ્લોટ લીધા હતા, ૨૮૧ ચો.વાર ક્ષેત્રફળ વધુ બતાવી બે ઇસમે છેતરપિંડી કરી

પ્રાપ્ત વિગત મુજબ બાબુ ઈશ્વર પટેલ (ઉં.વ.૬૭) (રહે.,૮૬, દક્ષિણ ફળિયું, સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલની પાસે, નાના વરાછા, સુરત) ખાતે રહે છે. તેમણે ઓલપાડના માસમા ગામે સરકારી રેવન્યુ દફ્તરે નોંધાયેલા બ્લોક નં.૪૨૬ના સરવે નં.૨૬૪માં ચાર પ્લોટો વિજય આત્મારામ પટેલ (રહે.,૯,ફ્રેન્ડલ વિલા, ઘોડદોડ રોડ, અઠવાલાઇન, સુરત) તથા ગત તા.૨૦/૫/૨૦૧૯ના રોજ મરણ પામેલા પ્રમોદ હસમુખ ચૌહાણ પાસેથી વેચાણ કરારથી રાખ્યા હતા. આ બાબતે બાબુભાઇ પટેલે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે આ ચારેય પ્લોટના કબજા સહિતનો વેચાણ કરાર ગત તા.૨/૫/૨૦૧૬ના રોજ નોટરી દ્વારા રૂબરૂ લખાવી અવેજની પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી અને આ ચારેય પ્લોટનો કબજો સુપરત કર્યો હતો.

ચાર પ્લોટ પૈકીનો એક પ્લોટ નં.૩૪, જેનું ક્ષેત્રફળ ૬૯૦ ચો.વાર, કિંમત પ્રતિ ચો.વાર રૂ.૭,૨૭૨ પ્રમાણે રૂ.૫૦,૧૭,૬૮૦ ચૂકવી દીધા હતા. જો કે, આ ચારે પ્લોટો વેચાણ દસ્તાવેજ કરી આપવાના બદલે એક પ્લોટ નં.૩૪ ગત તા.૨૫/૧૦/૨૦૧૬ના રોજ અમીબેન ઘનશ્યામ પારેખ (રહે.,૪૩, પુષ્પક સોસાયટી, પાલનપુર પાટિયા, સુરત)ને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપ્યો હતો. આ બંને આરોપીએ ચારેય પ્લોટ મળી કુલ ૨૮૧ ચો.વાર ક્ષેત્રફળ વધુ બતાવી ફરિયાદી પાસેથી આશરે રૂ.૨૨.૫૦ લાખ વધુ ખંખેરી વિશ્વાસઘાત કરતાં તેમણે ગત શનિવારે ઓલપાડ પોલીસમથકમાં બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top