SURAT

સુપ્રીમના ચૂકાદાથી સુરતના કાપડ-હીરા ઉદ્યોગકારોને મંદીમાં 400 કરોડની ક્રેડીટ ગુમાવવાનો આવ્યો વારો

સુરતના કાપડ, હીરા ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો છે. જીએસટીના (GST) ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સમાવિષ્ટ આ ત્રણેય ઉદ્યોગોને તેઓ દ્વારા અપાયેલી સર્વિસનું રિફંડ નહીં આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) દ્વારા કરવામાં આવ્યો છે. સુપ્રીમના આ નિર્ણયના લીધે સુરત સહિત દેશભરના કાપડ, હીરા અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદક, વેપારીઓને કરોડો રૂપિયાની ક્રેડીટ ગુમાવવાની નોબત આવી છે. જેના પગલે આગામી દિવસોમાં બજારમાં નાણાંની અછત સર્જાવાનો ભય ઉભો થયો છે.


સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત હાઈકોર્ટના એક ચૂકાદાને અમાન્ય ઠેરવી કેન્દ્ર સરકારની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. જીએસટી લાગુ થયા પછી કેટલાંક સુધારાઓ થયા હતા તે પ્રમાણે ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં ઈનપુટ સર્વિસ ટેક્સનું રિફંડ (REFUND) આપવાની અસ્પષ્ટ જોગવાઈ હતી. એટલે કે જોબવર્કને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે લાગુ ઈનપુટ ટેક્સ પર ક્રેડીટ રિફંડ મળે તે માટે હાઈકોર્ટમાં પહોંચેલા કેસમાં હાઈકોર્ટે રિફંડ આપવા ચૂકાદો આપ્યો હતો. આ મામલાને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને અમાન્ય ઠેરવી ઈનપુટ ટેક્સ ક્રેડીટનું રિફંડ નહીં આપવા ચૂકાદો આપ્યો છે. આ ચુકાદાની સીધી અસર સુરતના કાપડ અને હીરા ઉદ્યોગના જોબવર્કર અને સર્વિસ પ્રોવાઈડર પર પડશે. આ બંને સેક્ટરની પેન્ડીંગ 400 કરોડની ક્રેડીટનું રિફંડ હવે આ ચૂકાદા પછી નહીં મળે તે સ્પષ્ટ થયું છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુશીલ કાબરાના જણાવ્યા અનુસાર સુરતના ઉદ્યોગકારોની મોટી રકમ ફસાઈ જતા જીએસટીમાં સર્વિસ ટેક્સની ઈનપુટ ટેક્સ ક્રેડીટનું રિફંડ (INPUT TEX CREDIT REFUND) આપવા દાદ માંગવામાં આવી હતી જે સ્વીકારવામાં આવી નથી. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં (GUJARAT HIGHCOURT) લઈ જનાર એડવોકેટ અવિનાશ પોદ્દારે જણાવ્યું કે હાઈકોર્ટે સર્વિસ ટેક્સમાં ઈનપુટ ટેક્સ ક્રેડીટ રિફંડ આપવા ચૂકાદો આપ્યો હતો પરંતુ આજે સુપ્રીમ કોર્ટમાં જે ચૂકાદો આપવામાં આવ્યો છે તેમાં સરકારને રિફંડ નહીં આપવા તરફેણ કરવામાં આવી છે, તેનાથી સુરતના કાપડ અને હીરા ઉદ્યોગકારોને 400 કરોડની ક્રેડીટ ગુમાવવી પડશે, જેનું કોઈ રિફંડ હવે મળશે નહીં.

ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર કઈ રીતે કામ કરે છે?
સુરતમાં યાર્નના કાચા માલ પર 18 ટકા, યાર્ન પર 12 ટકા અને ફેબ્રિક્સ પર 5 ટકા જીએસટી દર લાગુ પડે છે. તે રીતે દરેક સ્થળ પર જુદી જુદી ડ્યૂટી લાગુ પડે છે. કાપડના વેપારી જ્યારે ખરીદી કરે છે ત્યારે વધારે ડ્યૂટી ચૂકવે છે અને વેચે છે ત્યારે ઓછી ડ્યૂટી ચૂકવવી પડે છે. આ રીતે કાપડના વેપારી પાસે મોટી ક્રેડીટ જમા થાય છે. હીરા ઉદ્યોગમાં પણ આ જ પ્રકારનું સમીકરણ કામ કરે છે. આ બંને ઉદ્યોગોમાં સર્વિસ ટેક્સની ઈનપુટ ક્રેડીટનો ઉપયોગ થતો નહોતો અને ઉદ્યોગકારો રિફંડની માંગણી કરી રહ્યાં હતાં.

સુપ્રીમના ચુકાદા બાદ હવે શું થશે?
કોઇ વેપારી કે ઉદ્યોગકાર દ્વારા જોબવર્ક કરાવવામાં આવે અથવા તો ર્સિટફિકેટ લેવામાં આવે તો તે માટે ચૂકવવામાં આવેલા ચાર્જને ચોપડા પર બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત સીએ અથવા એકાઉન્ટન્ટને ચૂકવવામાં આવતી રકમને પણ ચોપડા પર બતાવી શકાતી હતી. જેથી વેપારીને આવી નાની નાની રકમ બતાવે તો પણ સારી એવી રકમનું રિફંડ પહેલા બેંક ખાતામાં જમા થતંુ હતું જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે બેંક ખાતામાં જમા થતું રિફંડ મળશે નહીં. તેના બદલે વેપારીના ઇલેક્ટ્રોનિક લેઝરમાં આ રકમ દેખાશે. તે રકમનો ઉપયોગ ફકતને ફક્ત ટેક્સ ભરપાઇ કરવા માટે જ કરી શકાશે. જેથી વેપારીના જ નાણા જોઇ તો શકશે પરંતુ વાપરી નહીં શકે.

બોગસ બિલિંગના કેસોમાં વધારો થવાનો ભય
ર્સિવસ રિફંડ નહીં આપવાનો નિર્ણય તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેના લીધે બોગસ બિલિંગના કેસમાં પણ વધારો થવાની શકયતા રહેલી છે, કારણ કે વેપારીઓને ર્સિવસ પેટે મળતું રિફંડ બંધ થવાના લીધે હવે વેપારી ગુડ્ઝની ખરીદી કાગળ પર બતાવીને તે પેટેનું રિફંડ આપવામાં આવે છે, તેનો લાભ લેવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જેથી આગામી દિવસોમાં બોગસ બિલિંગના કેસમાં વધારો થવાનું પણ જાણકારો કહી રહ્યા છે.

Most Popular

To Top