અભિનેતા પ્રતિક ગાંધી હવે ‘લીલા’ નહીં ‘ભવાઈ’ કરશે, ફિલ્મ રાવણ લીલાનું નામ બદલાયું

શેરબજારના એક સમયના બિગબુલ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હિન્દી વેબસિરીઝ ‘સ્કેમ 1992’ (SCAME 1992)માં સફળતાપૂર્વક લીડ રોડ ભજવ્યા બાદ રાતોરાત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા અને લોકપ્રિય થઈ ગયેલા મૂળ સુરતના અભિનેતા પ્રતિક ગાંધીની (PRATIK GANDHI) આગામી ફિલ્મ રાવણ લીલાનું (RAVAN LEELA) નામ એકાએક બદલી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મેકર્સને તેનું નામ બદલવાની ફરજ પડી છે. હવે આ ફિલ્મનું નવું નામ ‘ભવાઈ’ (BHAVAI) રાખવામાં આવ્યું છે.

સ્કેમ 1992 બાદ પ્રતિક ગાંધીની ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું રાવણ લીલા. ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર લોન્ચ થયાના ત્રણ દિવસમાં 10 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે પ્રતિકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ કરી દેવામાં આવ્યું છે. મેકર્સે ઓફિશિયલ જાહેરાત કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.

ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે રાવણ લીલાનું શીર્ષક હવે ‘ભવાઈ’ હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે ‘પ્રેક્ષકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે લાગી રહ્યું છે કે આ વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિક ગાંધીએ પણ આ વિશે પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘મારા માટે, દરેક વાર્તા કે જેનો હું ભાગ છું તે તમારા હૃદય સાથે જોડાવાનો રસ્તો છે અને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી! અમે એક ટીમ તરીકે સામૂહિક રીતે અમારી ફિલ્મનું નામ બદલીને BHAVAI કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં રજૂ થશે. 1 ઓક્ટોબરે થિયેટરોમાં તમારા મિત્રો અને પરિવાર સાથે મળીશું!’

Related Posts