SURAT

ઉકાઈ ડેમમાંથી આટલું પાણી છોડાતા તાપી લબાલબ, સપાટી 340 ફૂટ પર આવી

સુરત: (Surat) ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં મહદઅંશે ઘટાડો નોંધાતા સુરતીઓને હાશકારો થયો છે. મંગળવારે બપોરે 4 કલાકે ઉકાઈ ડેમની સપાટી 340.71 ફૂટ નોંધાઇ છે. તંત્રેએ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવામાં વધારો કર્યો છે. 98,704 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીને કારણે સુરતની તાપી નદી (Tapi River) બે કાંઠે વહેતી થઈ છે. તાપી બે કાંઠે વહેતા સુરતીઓ તેનું સૌંદર્ય નિહાળવા ઉમટી પડ્યા છે. બપોરે ચાર કલાકે મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમમાં 11,397 ક્યૂસેક પાણી આવી રહ્યું છે જેની સામે 98,704 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપીમાં પાણીની આવક થતા બારડોલીના હરિપુરા ગામે કોઝવે ડૂબી ગયો હતો. જેના કારણે 10 થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. બારડોલી અને માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પ્રભાવિત થયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે કડોદની સામે પારના 10  ગામો પ્રભાવિત થયા છે. આ ગામો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે. 

ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડાતું હોવાથી સુરત અને તાપી જિલ્લાના જળાશયો પાણીથી છલકાઈ ગયા છે. ઉકાઈ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ ગયો છે. બે વર્ષ ચાલે તેટલો પાણીનો સંગ્રહ થયા બાદ હવે વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. જેને કારણે વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી જેટલું પાણી આવી રહ્યું છે તેનાથી વધારે પાણી છોડાઈ રહ્યું છે. જેથી ઉકાઈ ડેમની જળ સપાટી મેઈન્ટેન રાખી શકાય. અપસ્ટ્રીમમાંથી ઉકાઈ ડેમમાં 11,397 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે 98,704 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

હાઈવે બંધ કરાયા

રાજ્યમાં સવત્ર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે મંગળવાર સવારે 9.00 કલાકે મળતી માહિતી મુજબ રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. સુરક્ષાને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રીપો રદ કરાઈ છે.

Most Popular

To Top