SURAT

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી નિવૃત્ત થયા? શું છે સચ્ચાઈ, જાણો…

સુરત: વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સ (SDB) નજીકના દિવસોમાં ધમધમતું થશે. દિવાળી બાદ લાભપાંચમે બુર્સની ઓફિસોમાં હીરાના વેપારીઓ વેપાર શરૂ કરી દેશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) બુર્સનું વિધિવત ઉદ્દઘાટન કરશે. હાલમાં બુર્સને કાર્યરત કરવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બુર્સના મેનેજમેન્ટ અંગે એક ચર્ચા ઉઠતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

સુરત ડાયમંડ બુર્સ માટે ખજોદ-સરસાણામાં સરકાર જમીન ફાળવે તે પહેલાંથી આ બુર્સના નિર્માણનું સપનું જોતા અને છેલ્લાં એક દાયકાથી બુર્સના સફળ નિર્માણ માટે સતત અથાગ મહેનત કરતા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા વધે નહીં તે માટે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે.

સુરત ડાયમંડ બુર્સે આજે તા. 21 સપ્ટેમ્બરના રોજ એક પત્ર જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે વલ્લભભાઈ લાખાણી ચેરમેન તરીકે નિવૃત્ત થયા નથી. આ વાત તદ્દન ખોટી છે. ચેરમેન તરીકે વલ્લભભાઈ લખાણી જ કાર્યરત છે અને રહેશે. આ સાથે જ પત્રમાં એસડીબીના વહીવટ માટે કો.ઓપરેટિવ સોસાયટી બનાવાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સુરત ડાયમંડ બુર્સ કેમ્પસના મેનેજમેન્ટ માટે કમિટી બનાવાઈ
આ સાથે જ સુરત ડાયમંડ બુર્સના આ પત્રમાં એવી માહિતી જાહેર કરાઈ છે કે સુરત ડાયમંડ બુર્સ કેમ્પસના મેનેજમેન્ટ તેમજ બિલ્ડિંગની સગવડો અવરિતપણે સાચવવા માટે તેમજ રોજબરોજના કામકાજ માટે સુરત ડાયમંડ બુર્સ સંસ્થા દ્વારા કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી બનાવવામાં આવી છે. આ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીના મેમ્બર તરીકે હાલ 29 સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આ સોસાયટીના પ્રમુખ તરીકે નાગજીભાઈ સાકરીયાની નિમણૂંક કરાઈ છે.

વલ્લભભાઈ જ ચેરમેન રહેશે, કોઈ ગેરસમજ કરશો નહીં: નાગજી સાકરીયા
સુરત ડાયમંડ બુર્સની કો.ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ નાગજી સાકરીયાએ કહ્યું કે, કોઈ ગેરસમજ કરશો નહીં. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તો વલ્લભભાઈ લખાણી જ રહેવાના છે. બુર્સનો વહીવટ સરળતાથી નિયમિત ચાલતો રહે તે માટે કો.ઓપરેટિવ સોસાયટીનું ગઠન કરાયું છે તેમજ તેના સભ્યો અને પ્રમુખોની નિમણૂંક કરાઈ છે. કમિટી મેમ્બર નિલેશ બોડકીએ જણાવ્યું કે, એસડીબીનું ચેરમેન પદ હંમેશા વલ્લભભાઈ લખાણી પાસે જ રહેશે. હવે પછી મેનેજમેન્ટ જે કો.ઓપરેટીવ સોસાયટી સંભાળશે તે સોસાયટીના હોદ્દેદારો બદલાતા રહેશે.

Most Popular

To Top