Dakshin Gujarat

સુરતીલાલાઓ હવેથી દમણના દરિયા કિનારે જાઓ તો આ વસ્તુ લઈને ન જતાં

દમણ: સંઘ પ્રદેશ દમણના (Daman) તમામ દરિયા કિનારાઓ (Beach) તથા તેના હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલીઓ તથા અન્ય પ્લાસ્ટિક (Plastic) સામગ્રીઓ ના ઉપયોગ તથા તેના વેચાણ પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. સાથે દરિયા કિનારે ગુટખા પાન મસાલાના સેવન કરવા પર પણ પ્રતિબંધ લગાવી આકરા દંડની જોગવાઈ કરાઈ હોવાનો એક ઓર્ડર (Order) પ્રદેશના કલેક્ટરે જારી કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી દમણના દેવકા, સી-ફેસ જેટી તથા જામપોર દરિયા કિનારે લોકો દ્વારા રંગીન અને સામાન્ય પોલિથીન બેગ તથા અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ તથા તેનું વેચાણ થતું હોવાનું પ્રશાસન સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ દરિયા કિનારે તથા તેની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલાના વેચાણ અને તેનું સેવન પણ લોકો કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમુદ્રમાં આવા પ્લાસ્ટિક કચરાના કારણે થતા પ્રદુષણ અને સોલિડ વેસ્ટ મેન્ટમેન્ટના નિયમો અનુસાર નિકાલ થતો ન હોવાને કારણે પ્રદેશ ની ગટરો, નાળાઓ અને અન્ય પાણીના નિકાલની કરવામાં આવેલ વ્યવસ્થાઓમાં આવો કચરો જમા થતાં વરસાદી ઋતુ દરમ્યાન કૃત્રિમ પૂરનું સર્જન થતું હોય છે. સાથે આવા કચરાના કારણે દમણના દરિયા કિનારાની સૌંદર્યતા માં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ વાતોને ધ્યાન પર લઈ દમણના કલેક્ટર તપસ્યા રાઘવે એક ઓર્ડર જારી કર્યો છે. જે મુજબ દમણના દરિયા કિનારાઓ તથા આસપાસની જગ્યાએ કોઈપણ વ્યક્તિ 50 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કે તેનું વેચાણ કરી શકશે નહીં. એટલું જ નહીં પણ પ્લાસ્ટિક ની સિંગલ યુઝ સામગ્રીઓ જેવી કે, ચમચી, ડીશ વિગેરેના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સાથે દરિયા કિનારાઓ પર કોઈ પણ વ્યક્તિ પ્રતિબંધિત ગુટખા પાન મસાલા નું સેવન કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ તમામ વાતો નું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેવા લોકો સામે રૂપિયા એક હજારનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે મહેસૂલ, પોલીસ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને દમણ નગર પરિષદના તમામ સુપરવાઈઝર સ્ટાફ, ફિલ્ડ સ્ટાફ, ગ્રામ સેવક અને જુનિયર ઈજનેર, આબકારી વિભાગ ને દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. આ સાથે જ સફાઈ અને જાળવણી હેતુ માટે પ્રવાસન વિભાગ અથવા તો એજન્સીના સ્ટાફ ને ઉપરોક્ત વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે તો તેમની સામગ્રીઓ અને ઉત્પાદન ને જપ્ત કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આ માટે તમામ એજન્સીએ પોતાનો સાપ્તાહીક રિપોર્ટ પણ મોકલવાનો રહેશે. આ આદેશ 26 જૂન રવિવારના દિવસથી આગામી આદેશ સુધી અમલમાં મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top