Gujarat

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી

રાજકોટ: રાજકોટમાં (Rajkot) ગુરૂવારે વહેલી 6 વાગ્યે વરસાદી ઝાપટું પડ્યું જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ઝરમર વરસાદ (Rain) વરસ્યો હતો. બાદમાં બપોર પછી ઉપલેટા પંથક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના ભાયાવદર, મોટીપાનેલી, હરિયાસણ, ઢાંક સહિતના ગામડાઓમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આથી ખેતરો (Farm) પાણી પાણી થતા ખેડૂતોમાં (Farmer) ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

જસદણના આટકોટ, વીરનગર સહિતના ગામડાઓમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટના મોરબી રોડ, રૈયારોડ, રેસકોર્સ, જામનગર હાઇવે, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આજથી ત્રણ દિવસની આગાહીને લઇને વહીવટી અને મનપા તંત્ર એલર્ટ બન્યું છે. ગોંડલના મોવિયા ગામમાં વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે એક ગાયનું મોત નીપજ્યું છે.

અમરેલીમાં 25 મિનિટમાં પોણો ઈંચ વરસાદ: ખાંભાની ધાતરવડી નદીમાં ધોડાપૂર
અમરેલી: અમરેલી જિલ્લામાં બુધવાર રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ખાંભા શહેરમાં અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નદીમાં પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, ધરતી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોય રહ્યા હતા ત્યારે આ વરસાદના કારણે નવું જીવનદાન પાકને મળ્યું છે.

આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જ્યારે મધરાતે પડેલા વરસાદના કારણે નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી, પરંતુ વહેલી સવારે પાણી ઓસરી ગયું છે. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે.

રાજુલામાં વીજળી ગુલ
આ બાજુ રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. રાજુલાના દેવકા અને હડમતીયા સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીમાં પાણીનું પ્રથમ આગમન થયું હતું. જ્યારે રાજુલા પંથકમાં છુયા છવાયા વરસાદમાં જ વીજળી ગુલ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Most Popular

To Top