SURAT

શહેરમાં તસ્કરોનો તરખાટઃ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીના ઘરમાંથી 1.64 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

સુરતઃ (Surat) શહેરમાં દિવાળી પછી તસ્કરોનો તરખાટ વધી ગયો છે. શનિવારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની દાખલ થયેલી ફરિયાદોમાં ડિંડોલી ખાતે રહેતા ક્રાઈમ બ્રાંચના (Crime Branch) પોલીસકર્મીના (policeman) ઘરમાં પણ 1.64 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સલાબતપુરામાં પણ બે અલગ અલગ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.ડિંડોલી ખાતે રહેતા પંચદેવ સોસાયટીમાં રહેતા અને ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા શિવાજીભાઈ આનંદરાવ ઠાકરેની પત્ની મનીષાબેન દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગત તા.20 તારીખે શિવાજીભાઈ પરિવાર સાથે વડોદરામાં તેમની બહેનના ઘરે વાસ્તુ પૂજા તથા સિલ્વર વેડિંગ એનિવર્સરીના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

1.64 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું
22 તારીખે સવારે તેમના પડોશીએ ફોન કરીને તેમના ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ કરતાં તેઓ સુરત આવી પહોંચ્યા હતા. દરવાજાને ઇન્ટરલોક તથા ચોર લોક માર્યુ હોવા છતાં તસ્કરોએ દરવાજાની ફ્રેમ તોડી નાંખી હતી. અંદર જઈને જોતાં સામાન વેરવિખેર હતો. કબાટનું લોક તૂટેલું હતું. કબાટમાંથી સોનાની ચેઈન, પેન્ડલ, વીંટી, ચાંદીની લક્કી, ચાંદીના સિક્કા મળી કુલ 1.64 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. ડિંડોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આંજણા ફાર્મ પાસે ખાતામાંથી રોકડા 1.20 લાખની ચોરી
અલથાણ ખાતે સાંઈ કેજી બંગલામાં રહેતા 49 વર્ષીય રાકેશભાઈ પ્રવીણચંદ્ર ડોલી સલાબતપુરા આંજણા ફાર્મ જય ઇન્ડસ્ટ્રિયલમાં રાકેશ એન્ટરપ્રાઈઝ નામથી લૂમ્સના ખાતા ધરાવે છે. ગત 6 ડિસેમ્બરે ઓફિસ બંધ કરીને ગયા હતા. બીજા દિવસે સવારે ઓફિસે આવતા શટરના નકૂચા તૂટેલા હતા. ઓફિસમાં સામાન વેરવિખેર હતો. ઓફિસના ટેબલમાં રાખેલા 1.20 લાખ રોકડા ગાયબ હતા. જેથી તેમના દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભાઠેનામાં ખાતામાંથી રોકડા 50 હજારની ચોરી
ભાઠેના ખાતે રામદેવ રો હાઉસમાં રહેતા 35 વર્ષીય યોગેશ માધવલાલ પટેલ ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસે શંકર ગુરુ ટેક્સટાઈલના નામે લૂમ્સનાં ખાતાં ધરાવે છે. ગત 23 નવેમ્બરે તેઓ ખાતામાં ત્રીજા માળે આવેલી ઓફિસને લોક મારીને ગયા હતા. બીજા દિવસે સવારે ઓફિસમાં આવ્યા ત્યારે લોખંડની જાળીના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં હતું. ઓફિસના લાકડાના દરવાજાનું લોક તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. અને ઓફિસમાં રાખેલા લાકડાના ટેબલના ખાનાનું લોક તોડી રોકડા 50 હજાર રૂપિયા ચોરી કર્યા હતા. સલાબતપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top