SURAT

સુરતની કોર્ટમાં સરકારી વકીલના અભાવે એક વકીલના માથે સરેરાશ 481 કેસનું ભારણ

સુરત : સુરત (Surat)ની કોર્ટ (Court)માં હાલમાં 1.55 લાખ ક્રિમિનલ કેસો પેન્ડિંગ (Pending criminal case) છે. જેમાંથી 5293 સેશન્સ કેસ છે. જ્યારે તેની સામે સુરતની સેશન્સ કોર્ટમાં માત્ર 11 જ સરકારી વકીલ (Public prosecutor) છે. એક સરકારી વકીલના માથે સરેરાશ 481 કેસનું ભારણ છે. ત્યારે એક સરકારી વકીલ કેટલા કેસોમાં ધ્યાન આપે..? તે એક ચર્ચાનો વિષય (Talk of the town) બન્યો છે.

સુરતની જિલ્લા કોર્ટમાં સેશન્સ કોર્ટના સરકારી વકીલોની અછતને લઇને હવે ચર્ચાઓ શરૂ થઇ છે. લાંબો સમય છતાં પણ સરકારી વકીલની નિમણૂક કરવામાં નહીં આવતાં વકીલોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. સુરતમાં 18 સેશન્સ કોર્ટ છે અને તેની સામે 11 સરકારી વકીલ છે. એક સેશન્સ સરકારી વકીલના માથે 2 કોર્ટનો ચાર્જ છે. બીજી તરફ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના આંકડા પ્રમાણે સુરતની જિલ્લા કોર્ટમાં 1.55 લાખ ક્રિમિનલ કેસો છે. એક સરકારી વકીલના માથે 481 કેસનું ભારણ છે, ઘણીવાર કોર્ટમાં ગેરહાજર રહેવાને કારણે માથાકૂટ થયાના કિસ્સાઓ પણ બન્યા છે. કોર્ટમાં સરકારી વકીલની ગેરહાજરીના કારણે બચાવ પક્ષના વકીલો અને પક્ષકારોને ખૂબ જ નુકસાન થાય છે, જુબાની આવતા સાક્ષીઓને પણ ધરમના ધક્કા ખાવા પડે છે. કોર્ટમાં સરકારી વકીલો આવતા જ ન હોવાથી કેસોમાં વારંવાર તારીખો પડે છે અને કોર્ટમાં કેસનું ભારણ વધી જાય છે.

અંડર ટ્રાયલ કેદીઓને વગર વાંકે જેલમાં રહેવું પડે છે

સુરતમાં સરકારી વકીલોની અછતના કારણે અંડર ટ્રાયલ કેદીઓને વગર વાંકે જેલમાં રહેવું પડે છે, સરકારી વકીલની હાજરી ન હોવાથી કોર્ટમાં કેસોમાં વારંવાર તારીખો પડે છે અને વર્ષો સુધી કેસ લંબાયા કરે છે. કેદીઓને તારીખ માટે કોર્ટમાં લાવવામાં આવે છે. પરંતુ વકીલ હાજર ન હોવાથી કોર્ટ બીજી મુદત આપી દે છે. જેના કારણે સરકારી ઇંધણનો પણ ધુમાડો થઇ જાય છે. બપોરે 11 વાગ્યાથી લઇ બે વાગ્યા સુધી સરકારી વકીલની રાહ જોયા બાદ કોર્ટ પક્ષકાર હોય કે આરોપી હોય તેને તારીખ આપીને બીજી મુદતે હાજર રહેવાનું કહે છે. પરંતુ બીજી મુદતમાં પણ સરકારી વકીલની ગેરહાજરી હોવાથી ફરી સમસ્યા ઊભી થાય છે અને કેસ આગળ વધી શકતો નથી.

Most Popular

To Top