Surat Main

બજેટમાં સુરતના ફાળે આવ્યા 2000 કરોડથી વધુનાં વિકાસ કાર્યો, આ પ્રોજેક્ટ હવે ઝડપથી આગળ વધશે

ગાંધીનગર: (Gandhinagar) નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં (Budget) 2022-2023ની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. 7 કરોડની જનતા માટે બજેટમાં સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ વેરા વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં સુરતના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. સુરતના લિંબાયત અને વરાછા વિસ્તારમાં નવી સરકારી કોલેજની (Government College) જાહેરાત કરવામાં આવી છે. આ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 1991 કરોડના પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.

સુરત તાપી રિવરફ્રન્ટના વિકાસ માટે બજેટમાં રૂપિયા 1991 કરોડ ફાળવવામાં આવ્યા છે. તાપી રિવરફ્રન્ટને વિકસિત અને શહેરીજનો માટે ફરવાલાયક સ્થળ બનાવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી માટે 23 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના ગામડાના અને મહારાષ્ટ્ર સુધીના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. જેના કારણે ઓપીડી ઉપરનું ભારણ પણ વધતું રહે છે. બજેટમાં આરોગ્યલક્ષી સેવાને ધ્યાનમાં રાખીને નવી ઓપીડી માટે ફંડ ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત સુરતના ભીમરાડના ઐતિહાસિક સ્થળ પર ગાંધી સ્મારક બનાવવા માટે રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં વર્ષોથી સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવા માગણી કરવામાં આવી રહી હતી. આ વખતે રજૂ થયેલા બજેટમાં નવી સરકારી કોલેજ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. જેનો લાભ વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓને મળશે. લિંબાયત વિસ્તારમાં પણ નવી સરકારી કોલેજને બજેટમાં મંજૂરી મળી છે. લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે બજેટને આવકારતા કહ્યું કે લિંબાયત વિસ્તારની અંદર નવી કોલેજ માટેનું બિલ્ડીંગ તૈયાર થાય ત્યાં સુધી કોઈ એક સ્કૂલની અંદર પ્રાયોગિક ધોરણે કોલેજ શરૂ કરવામાં આવશે.

આમ સુરતમાં ડેવલપમેન્ટના 1991 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. જણાવી દઈએ કે ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણથી લઈને આરોગ્ય, જળ વિભાગ, મેડિકલ ક્ષેત્ર તથા ટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું બજેટ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રને પણ મોખરે રાખવામાં આવ્યું હતું.

Most Popular

To Top