SURAT

ગુજરાતના બજેટથી નિરાશા, સુરતના વેપારીઓની આ રાહત જાહેર કરવા માંગ

સુરત: (Surat) ગુજરાત સરકારના બજેટમાં (Budget) એક મુદાને અવગણવામાં આવતા સુરતના વેપારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. કોન્ફડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. વેપારી સંગઠનના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે સરકારને રજૂઆત કરી છે. ભગતે લખ્યું છે કે જીએસટી લાગુ થયો ત્યારે પ્રધાનમંત્રીએ One Nation One Tax ની વ્યાખ્યા આપી હતી તેમાં નાના મોટા કર વેરાઓ સામેલ કરવામાં આવ્યા છે પરંતુ ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો નથી.

આપણા રાજ્યમાં પ્રોફેશનલ ટેક્સ લાગુ થયો ત્યારે સેલ્સ ટેક્સ વિભાગ વસુલાત કરતી હતી પરંતુ ત્યાર બાદ આ વસુલાત માટે મહાનગરપાલિકા, નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી હતી અને જ્યાં નગરપાલિકા મહાનગરપાલિકા નથી ત્યાં સ્ટેટ ગવર્મેન્ટ ટેક્સ વસુલાત કરે છે. પહેલા પ્રોફેશનલ ટેક્સ 500 રૂપિયા અને 1250 રૂપિયા સ્લેબ હતો તે વધારીને દરેક માટે ₹2,500 કરવામાં આવ્યો છે તે ગેર વ્યાજબી નિર્ણય છે.

આજરોજ નાણામંત્રી એ ગુજરાતનું બજેટ જાહેર કર્યું તેમાં પ્રોફેશનલ ટેક્સ અંગે ચર્ચા કરવામાં આવી નથી સરકારને 2023 -2024 દરમિયાન VAT તેમજ GST અને મહેસુલ આવકમાં ખૂબ વધારો થયો છે. સરકારને વ્યાપારીઓ તેમજ કર્મચારીઓને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવા વિનંતી છે. કારણકે નેતાઓ તરફથી તેમજ વિવિધ સ્તરે મૌખિક રીતે સહાનુભૂતિ પૂર્વક ઘણી ખાતરી આપવામાં આવેલ હતી. તેમણે જણાવ્યું કે તારીખ 1 એપ્રિલ 2024 થી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા વિનંતી છે.

Most Popular

To Top