National

દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ, મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના સહિત આ મોટી જાહેરાતો કરાઇ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) દિલ્હીની આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) સરકારે સોમવારે વર્ષ 2024નું બજેટ (Budget) રજૂ કર્યું છે. નાણામંત્રી આતિષીએ (Finance Minister Atishi) રાજ્ય વિધાનસભામાં પોતાના પ્રથમ બજેટ ભાષણમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર રામ રાજ્યના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ તેણીએ કેજરીવાલ સરકારની દિલ્હીની મહિલાઓ માટેની ખાસ યોજનાઓને પણ જાહેર કરી છે.

આતિશીએ કહ્યું કે કેજરીવાલ સરકારનું કામ માત્ર રામ રાજ્યની કલ્પનાના આધારે જ થાય છે. આ વખતે કેજરીવાલ સરકારે 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જે ગયા વર્ષની સરખામણીએ અંદાજે રૂ. 2 હજાર કરોડ ઓછું છે. પરંતુ દિલ્હી સરકારે તમામ સેક્ટર અને દિલ્હીના તમામ નાગરિકોને સુુવિધા મળે તેનું ધ્યાન રાખ્યું છે. આ સાથે જ આતિશીએ અન્ય યોજનાઓની પણ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાત
કેજરીવાલ સરકારે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે દિલ્હીની વસ્તી દેશની કુલ વસ્તીના માત્ર 1.55% છે. છતાં જીડીપીમાં દિલ્હીનું યોગદાન બમણા કરતાં પણ વધુ છે. 2023-24માં સ્થિર ભાવે જીડીપીમાં દિલ્હીનું યોગદાન 3.89% થવાનું છે.

શિક્ષણ માટે રૂ. 16 હજાર કરોડથી વધુ
દિલ્હી સરકારની નાણા મંત્રી આતિશીએ કહ્યું કે સરકારે શિક્ષણ માટે 16 હજાર 396 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. આ સાથે જ નાણામંત્રીએ કહ્યું કે કેજરીવાલ સરકારે છેલ્લા 9 વર્ષમાં 22 હજાર 711 ક્લાસરૂમ બનાવ્યા છે. દિલ્હીમાં સ્કૂલ ઓફ એક્સેલન્સની સંખ્યા 38 છે. તેમજ દિલ્હીની સરકારી શાળાઓમાં ભણતા 2121 બાળકોએ 2023-2024માં JEE અને NEET પરીક્ષાઓ પાસ કરી છે. છેલ્લા 3 વર્ષમાં 4 લાખથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને દિલ્હીની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

દિલ્હીના ગામડાઓમાં એક હજાર કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવશે
નાણામંત્રીએ બજેટ દરમિયાન કહ્યું કે દિલ્હીના ગ્રામવાસીઓએ કેજરીવાલ સરકારને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું છે. આ વર્ષે અમે દિલ્હીના ગામડાઓમાં એક હજાર કિલોમીટરના રસ્તાઓ બનાવીશું. આ સાથે જ દિલ્હીના બજેટમાં આટલા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.

  • દિલ્હીને આઠ નવા ફ્લાયઓવર મળશે
  • દિલ્હીમાં આરોગ્ય સંભાળ માટે રૂ. 8,685 કરોડની ફાળવણી
  • દિલ્હીમાં સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવશે
  • છેલ્લા નવ વર્ષમાં દિલ્હીમાં હવે 24 કલાક વીજળીની જોગવાઇ
  • વૃદ્ધોની યાત્રા માટે 80 કરોડની જોગવાઈ

Most Popular

To Top