SURAT

‘હું બોજ બનવા માંગતી નથી’, GSTના આસિસ્ટન્ટ કમિશનરની દીકરીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી

સુરત (Surat) : સુરતમાં રહેતા અને મુંબઈમાં (Mumbai) જીએસટી (GST) વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર (Assistant Commissioner) તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી વી. મનુશ્રીએ પરીક્ષામાં (Exam) નાપાસ (Fail) થવાના ડરથી મોંઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને પોતાનો શ્વાસ રોકીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. વી. મનુશ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

  • બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મુંબઈના જીએસટી કમિશનરની દીકરીનો પરીક્ષામાં નાપાસ થવાના ડરથી આપઘાત
  • આસિસ્ટન્ટ કમિશનરની દીકરીએ મોઢા પર થેલી બાંધીને પોતાનો શ્વાસ રોકીને આત્મહત્યા કરી લીધી
  • વી.મનુશ્રી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં અભ્યાસ કરતી હતી

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ પોંડીચેરીના વતની કે.વેંકટેશન નાયકર હાલ અડાજણ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકીની પાસે આમ્રપાલી રો-હાઉસ-2માં પત્ની તેમજ બે જુડવા દીકરી સાથે રહે છે. કે. વેંકટેશન મુંબઈ ખાતે જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

કે. વેંકટેશનના સંતાન પૈકી વી. મનુશ્રી (20 વર્ષ) સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે વી.મનુશ્રીએ પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને પોતાનો શ્વાસ રોકી આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, વી.મનુશ્રીની આગામી દિવસોમાં પરીક્ષા આવવાની હતી. તે પરીક્ષામાં તે નાપાસ થઈ જશે. જેથી તેના ડરમાં આવીને તેણીએ આત્મહત્યા કરી લીધી છે. બનાવને કારણે હાલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

થોડી વધારે મહેનત કરી હોત તો.. સ્યુસાઈડ નોટમાં વ્યક્ત કર્યો અફસોસ
મનુશ્રીએ આપઘાત કરતા પહેલાં લખેલી સ્યુસાઈડ નોટ પોલીસને મળી છે. આ સ્યુસાઈડ નોટમાં મનુશ્રીએ લખ્યું છે કે મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. માતા-પિતા તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી. જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવત, હું ભારણ બનવા માંગતી નથી તેવું લખેલું મળી આવ્યું હતું. આ સ્યુસાઈડ નોટ તેણે અંગ્રેજીમાં લખી હતી. અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top