SURAT

સુરત: બાઇકને ટક્કર લાગતાં ગાળો આપી તમાચો મારનાર વ્યક્તિનો પીછો કરી બાળકે ચપ્પુ ઘુસાડી દીધું

સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં ચપ્પુનો ઘા મારી વેપારીની હત્યાના (Murder) ગુનામાં ક્રાઈમ બ્રાંચે (Crime Branch) 19 વર્ષના યુવક અને 12 વર્ષની બાળકની ધરપકડ કરી છે. બાઈકને ટક્કર લાગતાં મૃતકે ગાળો આપી તમાચો મારતાં અદાવત રાખી યુવકે પીછો કરી ચાલુ બાઈકે પીઠમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું.

  • બાઇકને ટક્કર લાગતાં ગાળો આપી તમાચો મારનારનો પીછો કરી બાળકે ચપ્પુ ઘુસાડી દીધું
  • બાઈકને ટક્કર લાગતાં મૃતકે ગાળો આપી તમાચો મારતાં અદાવત રાખી યુવકે પીછો કર્યો હતો
  • 19 વર્ષીય યુવક અને 12 વર્ષના બાળકની ધરપકડ કરાઈ
  • ગોડાદરામાં ચપ્પુનો ઘા મારી વેપારીની હત્યા કરનાર બેની ધરપકડ

ગત રવિવારે રાત્રે 48 વર્ષીય ધરગારાભાઈ ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે બે અજાણ્યાએ તેમને પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હતી. ધરગારાભાઈ ચપ્પુ પીઠમાં હતું છતાં અઢી કિલોમીટર સુધી બાઈક ચલાવીને ગયા હતા. ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગંભીર ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચે હાથ ધરતાં બે વ્યક્તિ એક્સેસ મોપેડ પર આવી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હોવાની બાતમી મળી હતી. આ બંને આરોપી મંગળવારે પરવત ગામ ચોરા પાસેથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી. ક્રાઈમ બ્રાંચે વોચ કરી પરવત ગામ ચોરા પાસેથી આરોપી રાકેશભાઇ ઉર્ફે ગાંડો ફકીરભાઇ રાઠોડ (ઉં.વ.૧૯) (રહે.,હળપતિવાસ મહોલ્લો, પરવત ગામ, ચિન્મય રો હાઉસ સામે, ગોડાદરા)ની તથા એક 12 વર્ષના બાળકની ધરપકડ કરી છે.

આરોપીઓની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, રાત્રિના આશરે સાડા દસ વાગે ધરગારાભાઈ સાથે બાઈકની ટક્કર થઈ હતી. તેને જાહેરમાં જોરજોરથી ગાળો આપી હતી. જેથી રાકેશે તેને જાહેરમાં ગાળો ન બોલવાનું કહેતાં તેને તમાચો મારી ભાગી ગયો હતો. જેથી આરોપી રાકેશને ગુસ્સો આવતાં તેને મારવાનું નક્કી કર્યું હતું. અને 12 વર્ષના બાળક સાથે મોપેડ લઈને તેને શોધવા નીકળ્યો હતો. દરમિયાન પરવત ગામ બાજુમાં પોતાની બાઈક લઈને પસાર થતો હતો. ત્યારે આરોપીએ મોપેડ પર પીછો કરી ચાલુ બાઈકે પીઠના ભાગે છરાનો ઘા મારી ઘુસાડી દીધો હતો. આરોપી રાકેશ કાર વોશ કરવાના શો રૂમમાં કામ કરે છે. જ્યારે બીજો 12 વર્ષનો આરોપી ધોરણ-7માં અભ્યાસ કરે છે.

Most Popular

To Top