SURAT

સુરતના જાણીતા બિલ્ડર હેપ્પી હોમના મુકેશ પટેલ પાસે મુકેશ સવાણીએ 12 કરોડની ખંડણી માંગી

સુરત: (Surat) શહેરના જાણીતા બિલ્ડર (Builder) ગ્રુપ હેપ્પી હોમના ભાગીદાર મુકેશ પટેલની તેમની જ ઓફિસમાં ગત રવિવારે માથાભારે જમીન દલાલ તરીકે જાણીતા મુકેશ સવાણીએ પોતાના સાગરીત સાજીદ સાથે ધસી આવીને અન્ય પાર્ટી સાથે થયેલા આરજો-મારજોના વ્યવહારમાં 12 કરોડ રૂપિયાની ખંડણી (Ransom) માંગતા આ મામલે મુકેશ પટેલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બિલ્ડર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાર્લે પોઈન્ટ ખાતે શક્તિનગર સોસાયટીમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હેપ્પી હોમ ગ્રુપના ભાગીદાર 46 વર્ષીય મુકેશભાઇ ભાયાભાઇ પટેલે ઉમરા પોલીસ સ્ટેશનમાં મુકેશ છગનભાઇ સવાણી (રહે- ૨૨/૨૩ વિશ્વકૃપા સોસાયટી, અલકાપુરી સુમુલ ડેરી રોડ) તથા સાજીદખાન નસીમખાન પઠાણ (રહે. ૧૦૩, રત્‍ન ચિંતામણી મુગલીસરા રોડ સુરત) ની સામે તથા સીસીટીવીમાં જોવા મળતા વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મુકેશ પટેલે જણાવ્યું છે કે, ગત રવિવારે તેઓ પોતે વેસુ ખાતેની તેમની શાંતિનિકેતન નામની ઓફિસમાં બેઠા હતા. ત્યારે સિટીલાઈટ મહારાજા આર્કેટમાં વર્ધમાનના નામે ઓફિસ ધરાવતા માથાભારે જમીન દલાલ મુકેશ છગન સવાણી અને સાજીદખાન નસીમખાન પઠાણ તેમની ઓફિસમાં ધસી આવ્યા હતા.

બંનેએ ઉંચા અવાજે ‘48 કલાકમાં મારૂં બધું પતાવી આપજે નહીંતર તારી હાલત ભાદાણી જેવી થશે. જાહેરમાં તમારી બંને ભાગીદારોની ઈજ્જત લઈ લઈશ, બે દિવસમાં નહી પતાવો તો બંને ભાગીદારોને જાનથી મારી નાંખીશ. તમારે જે વ્યવસ્થા કરવી હોય તે કરવા માંડજે અને મારે કોને કોને લાવવાના તે બધી જ ગોઠવણ કરાવી દીધી છે. અને આ બધી તૈયારી કરીને જ તારી પાસે આવ્યો છું’ તેમ કહી ગાળાગાળી કરી ધમકી આપી હતી અને બાદમાં બંને જતા રહ્યા હતા. મુકેશ પટેલના અન્ય પાર્ટી પાસેથી જમીન લે-વેચના ધંધાકીય વ્યવહારોના નાણા લેવાના થાય છે. પાર્ટીના આ નાણાં મુકેશ સવાણી અને તેનો સાગરીત સાજીદ પઠાણ મુકેશ પટેલ પાસેથી બળજબરી કઢાવી લેવા માટે ધમકી આપી ગયા હતા. અગાઉ મુકેશ પટેલે આ અંગે ઉમરા પોલીસમાં અરજી કરી હતી. જેના અનુસંધાને ગઈકાલે પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ધમકી આપનાર મુકેશ સવાણી ભૂતકાળમાં વરાછાની વસુંધરા ગેંગ સાથે સંકળાયેલો હતો
મુકેશ છગન સવાણીનો ભુતકાળ ગુનાહિત છે. મુકેશ સવાણી સામે વર્ષ 2005માં કામરેજમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. તેમજ ભુતકાળમાં વરાછાની માથાભારે વસુંધરા ગેંગ સાથે પણ જાડાયેલો હતો. જોકે હાલમાં આ ગેંગથી તેણે પોતાનો છેડો ફાડી નાખ્યો છે. મુકેશ સવાણીએ ગત 16 ડિસેમ્બર 2020ના રોજ કતારગામમાં રહેતા રમેશ શામજી વઘાસીયાને ફોન કરી સુરત રેન્જ આઈજી ઓફિસમાં પથુબા (પથુભાઈ મેરુ ભાઈ ગોહિલ) સામે કેમ ફરિયાદ લખાવી તેમ કહી બે માણસો સાથે તારા દાદર ચડી જશું અને તેમને જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ફુલપાડામાં ઓફિસ ધરાવતા રમેશ ભાદાણીનો પણ મુકેશ સવાણીએ કોલર પકડી લઈ ધમકાવી નાખ્યો હતો.

Most Popular

To Top