(પ્રતિનિધિ), વડોદરા. તા.15
વડોદરા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 15 એપ્રિલ 2026 સુધીની સ્થિતિએ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પરથી કુલ 94 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
આંકડાકીય વિગતો મુજબ, સત્તાધારી પક્ષ ભાજપમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ કે અન્ય સમીકરણોને કારણે અનેક ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી હટી ગયા છે.
- કોંગ્રેસના કુલ 32 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા.
- આમ આદમી પાર્ટી (AAP) કુલ 17 ઉમેદવારોએ મેદાન છોડ્યું.
- અપક્ષ અને અન્યમાં સૌથી વધુ 45 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.
વડોદરા જિલ્લાની 170 તાલુકા પંચાયત બેઠકો પર સૌથી વધુ રાજકીય હલચલ જોવા મળી છે. અહીં કુલ 50 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં કોંગ્રેસના 19 અને ‘આપ’ ના 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે નગરપાલિકાઓની 112 બેઠકો પર 25 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.
ચૂંટણી વિશ્લેષકોના મતે, વડોદરા જિલ્લામાં 45 જેટલા અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે સીધો જંગ મુખ્ય પક્ષો વચ્ચે ખેલાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અપક્ષોના હટી જવાથી મતોનું ધ્રુવીકરણ અટકશે અને મુખ્ય પક્ષો વચ્ચે રસાકસી વધશે.