SURAT

બીમાર દાદીની ખબર કાઢવા જતા સુરતના બે ભાઈઓનું થયું અકસ્માત, એકનું મોત

પલસાણા: મૂળ મહારાષ્ટ્ર (Maharashtra) અને સુરત (Surat) ખાતે રહેતા બે ભાઇઓ સોનગઢ (Songadh) ખાતે રહેતી દાદી બીમાર હોવાથી તેની ખબર કાઢવા માટે મોટરસાયકલ (Motorcycle) લઈને જઇ રહ્યા હતા. દરમિયાન તાતીથૈયા ગામેથી પસાર થતી વખતે અચાનક રોડ પર ભેંસ આવી જતાં બંને ભાઇને અકસ્માત (Accident) નડ્યો હતો અને તેમને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ (Hospital) લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોટા ભાઇનું મોત નીપજ્યું હતું.

  • તાતીથૈયા નજીક રસ્તા ઉપર ભેંસ આવી જતાં બાઇક પરથી પટકાયા હતા, મોટા ભાઈએ જીવ ગુમાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયતના ગણેશનગર ખાતે રહેતા અજય શ્રવણ શ્યામરાવ બારાપાત્રે (ઉં.વ.૨૪) તથા તેનો નાનો ભાઇ અજય શ્રવણ શ્યામરાવ બારાપાત્રે (ઉં.વ.૨૨) (મૂળ રહે., મહારાષ્ટ્ર, નાગપુર) તાપીના સોનગઢમાં રહેતી દાદી બીમાર હોવાથી તેને મળવા માટે ગત ૨૪ જૂનના રોજ બાઇક નં.(જીજે ૦૫ પીઆર ૦૬૨૪) લઇ નીકળ્યા હતા. દરમિયાન સુરત-બારડોલી રોડ પર પલસાણાના તાતીથૈયા ગામની સીમમાંથી ગાર્ડન મિલની સામેથી પસાર થતી વખતે અચાનક હાઇવે પર ભેંસ આવી ગઈ હતી. જેથી તેમણે બાઇકની બ્રેક મારતાં સ્લિપ ખાઇ ગઈ હતી અને બંને ભાઇઓ રોડ ૫૨ પટકાયા હતા. તેમને ૧૦૮ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં મોટા ભાઇ અજયને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે કડોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મરોલીના આધેડનું છાતીમાં દુખાવો થતા મોત
નવસારી :મળતી માહિતી મુજબ જલાલપોર તાલુકાના મરોલીબજાર કોળી સમાજની વાડી પાસે સાજન સોસાયટીમાં માઈકલ જોન (ઉ.વ. 51) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 29મીએ માઈકલ જોનને છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમણે કંપનીમાં કામ કરતા તેમના મિત્ર હરિશભાઈને ફોન કરી હોસ્પિટલ લઈ જવા માટે જણાવ્યું હતું. પરંતુ હરીશભાઈની પણ તબિયત ખરાબ હોવાથી કંપનીમાં કામ કરતા યેસૂબાબુ અને અજયભાઈ માઈકલભાઈને તેમની બાઇક ઉપર મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની સાન્દ્રાબેને મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે

Most Popular

To Top