SURAT

એવું તો શું થયું કે સ્કુલ જવાનું કહીને સુરતનો ધોરણ 7નો વિદ્યાર્થી ટ્રેનમાં બેસીને દિલ્લી જતો રહ્યો

સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં રહેતો અને ધોરણ 7 માં અભ્યાસ કરતો 12 વર્ષીય બાળક (Child) પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી સ્કુલમાં (School) જવાના બહાને ટ્રેનમાં (Train) બેસીને દિલ્લી (Delhi) પહોંચી ગયો હતો.

  • સ્કુલ જવાનું કહીને ધોરણ 7 નો વિદ્યાર્થી ટ્રેનમાં બેસીને દિલ્લી જતો રહ્યો
  • સ્કુલ બેગમાંથી હોળીના કલર મળતા પિતાએ ઠપકો આપ્યો તો માઠું લાગી આવ્યું હતું
  • અડાજણ પોલીસની ટીમ બાળકને લેવા દિલ્લી રવાના થઈ

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે મીની વીરપુર મંદીર પાસે રહેતા અને જીએસટી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનો 12 વર્ષીય પુત્ર મીત (નામ બદલ્યું છે) ગઈકાલે સવારે સ્કુલમાં જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ બપોર પછી સ્કુલમાંથી પરત નહી આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. બાળક નહી મળતા પોલીસને જાણ કરી હતી. મીત ધોરણ 7 માં અભ્યાસ કરે છે. અડાજણ પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાળક દિલ્લી હોવાનું દિલ્લી આરપીએફ પોલીસ દ્વારા જાણ થઈ હતી. બાળકના બેગમાંતી હોળીના કલર મળી આવતા પિતાએ તેને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠું લાગી આવતા બાળક ગઈકાલે સ્કુલમાં જવાના બહાને સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. અને ત્યાંથી ટ્રેનમાં બેસીને સીધો દિલ્લી પહોંચી ગયો હતો. દિલ્લી રેલ્વે સ્ટેશન પર બાળકને એકલો જોઈને આરપીએફ પોલીસે તેની પુછપરછ કરતા તે સુરતથી આવ્યો હોવાનું કહ્યું હતું. જેથી સુરત પોલીસનો સંપર્ક કરતા અડાજણ પોલીસની ટીમ બાળકને લાવવા માટે રવાના થઈ છે.

પુણા લેસપટ્ટી વેપારી સાથે જોબવર્કના નામે માલ મેળવી 42.31 લાખની છેતરપિંડી
સુરતઃ પુણા ગામ ખાતે લેસપટ્ટીનો વેપાર કરતા વેપારી પાસેથી વિશ્વાસ કેળવીને જોબવર્ક માટે અમરસિંગ રાજપૂતે કુલ 54.49 લાખનો માલ મેળવ્યો હતો. જેમાંથી 42.31 લાખનું પેમેન્ટ આજદિન સુધી નહી ચુકવતા પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પુણા ગામ ખાતે સંટોષીક્રુપા સોસાયટીમાં રહેતા 47 વર્ષીય ભરતભાઇ વલ્લભભાઇ ટિંબડીયા સોસાયટીની પાસે નકળંગ નેજાધારી ફેન્સી લેસ નામે લેસ મટરીયલનો વેપાર કરે છે. તેમના દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં અમરસિંગ રાજપુતના નામે ફરિયાદ નોંધાવી છે. તેઓ માર્કેટમાં જોબવર્ક કરવા લેસ મટીરીયલને લગતો સામાન લે-વેચનું કામ કરે છે. તેમના ઓળખીતા રજનીભાઇ દેવાણીના આશરે ત્રણ વર્ષ પહેલા અમરસિંગ રાજપુતને લઇને તેમની દુકાને ગયા હતા. અમરસિંગ રાજપુતે “હુ સુરતની ટેક્ષટાઇલ માર્કેટમાથી કાચી સાડીઓ લાવુ છુ અને જોબવર્ક કરાવી અને પાછી માર્કેટમા જમા કરાવુ છું જે સાડીઓમા મારે લેસ મટરીયલ લગાડવાનું હોય જે તમે મને આપો હુ માર્કેટના ધારા ધોરણ મુજબ 90 દિવસમા પેમેંટ કરી આપીશ અને નફો પણ કરાવીશ ” તેવી વાત કરી હતી. તેની ઉપર વિશ્વાસ મુકીને અમરસિંગ રાજપુતને લેસનો માલ આપવાનુ ચાલુ કર્યું હતું.

અને અત્યારસુધી તેને 54.49 લાખનો માલ આપ્યો હતો. જેમાંથી આરોપીએ ટુકડે ટુકડે 12.17 લાખ ચુકવી આપ્યા છે. આ સિવાય બાકી રહેલા 42.31 લાખ રૂપિયા આજદિન સુધી આપ્યા નથી. પેમેન્ટની ઉઘરાણી માટે ભરતભાઈ અમરસિંગ રાજપુતના સરનામા ઉપર ગયા જ્યા તેમના ઘર ઉપર લોક મારેલું હતુ. આજુબાજુમા પુછતા જાણવા મળ્યું કે અમરસિંગ રાજપુત ઘર ખાલી કરી ભાગી ગયો છે. તેના ફોન પર સંપર્ક કરતા ફોન પણ બંધ છે. જેથી પુણા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top