SURAT

સુરત: ચાર વર્ષનું માસુમ બાળક મોબાઈલમાં રમતા રમતા કામરેજ ચાર રસ્તા સુધી પહોંચી ગયું અને…

સુરત: સુરતમાં (Surat) માસુમ બાળકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર વર્ષનું બાળક મોબાઈલમાં (Mobile) રમતા રમતા કામરેજ ચાર રસ્તા સુધી પહોંચી ગયું અને પરિવાર અજાણ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાહનોથી ધમધમતા કામરેજ (Kamrej) ચાર રસ્તા નજીક બિનવારસી માસુમ બાળકને રસ્તો ક્રોસ કરતા જોઈ દોડી આવેલી પોલીસે (Police) બાળકને સુરક્ષિત રીતે રોડ બાજુએ લઈ મોબાઇલ પરથી પરિવારને શોધી કાઢ્યું હતું. કામરેજ પોલીસની પ્રશંસનીય કામગીરીનો CCTV વિડીયો પણ સામે આવતા ચારેય તરફથી અભિનંદનની વર્ષા થઈ હતી.

  • વાહનોથી ધમધમતા કામરેજ ચાર રસ્તા નજીક બિનવારસી માસુમ બાળક રસ્તા પર ચાલતો હતો
  • પોલીસે બાળકને સુરક્ષિત રીતે રોડ બાજુએ લઈ મોબાઇલ પરથી પરિવારને શોધી કાઢ્યું

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ એક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય છે. ઘટના રવિવારના રોજની હતી. કામરેજની રત્નપૂરી સોસાયટીમાં એક પરિવારને ત્યાં મહેમાન તરીકે આવેલા પરિવારનું બાળક મોબાઈલ લઇને ઘરની બહાર નીકળી ગયું હતું. જોકે નવાઇની વાત એ હતી કે આ બાબતથી આખું પરિવાર અજાણ હતું. બાળક મોબાઇલ રમતા રમતા છેક કામરેજ ચાર રસ્તા સુધી પહોંચી ગયું હતું. રસ્તો ક્રોસ કરતા એક ચાર વર્ષના માસુમ બાળકને જોઈ પોલીસ મદદે દોડી આવતા બાળકને બચાવી લેવાયું હતું.

વધુમાં જણાવ્યું હતું કે બાળકના હાથ રહેલા મોબાઇલથી બાળકના પરિવારનો સંપર્ક કરવામાં પણ પોલીસ ને સહયોગ મળ્યો હતો. પોલીસે બાળકની માતાને બોલાવી જરૂરી સૂચનાઓ પણ આપી હતી. પોલીસની સતર્કતાના કારણે હેમખેમ બાળક પરિવારને પરત મળ્યું હતું. જેને લઈ પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ બાળક મોબાઈલ લઈને જઈ રહ્યું હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે છે. જેમાં બાળક મોબાઈલમાં મશગુલ થઈને ઘરની બહાર જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.

Most Popular

To Top