SURAT

સુરતની બહુમાળી બિલ્ડિંગની હાલત ટોઈલેટથી પણ ખરાબ: દાદરા ચઢતી વખતે થાય એવી હાલત કે..

સુરત: (Surat) સુરત શહેરમાં સરકારી કચેરીઓની ભરમારથી ભરેલી નાનપુરાની બહુમાળી બિલ્ડિંગ ગંદકીથી ખદબદી ઊઠી છે. સેંકડો લોકોની આવનજાવનવાળા આ બિલ્ડિંગમાં સંડાસ-બાથરૂમમાં સફાઇના અભાવે ભયાનક ગંધ આવતી હોવાની રાવ ઊઠી છે.

  • પીડબ્લ્યૂડીની મહેરબાની: નાનપુરા બહુમાળી બિલ્ડિંગની લોબી ભંગારનું ગોડાઉન બની
  • સરકારની ગ્રાન્ટ છતાં સ્વચ્છતા અંગે કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી
  • શૌચાલયોમાંથી આવતી દુર્ગંધને કારણે અરજદારોને દાદર પરથી નાક બંધ કરી જવું પડે છે

સુરત શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓ માટે મહત્ત્વની ગણાતી બહુમાળી બિલ્ડિંગમાં ગંદકીથી ગંધાઇ ઊઠી છે. બહુમાળી બિલ્ડિંગમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. એ બ્લોકમાં સબરજિસ્ટ્રાર કચેરીઓ, સિટી સરવે ઓફિસ, નશાબંધી અને આબકારી જકાતની ઓફિસ, સીઆઈડી ઓફિસ સહિત અનેક મહત્ત્વની કચેરીઓ આવેલી છે. બહુમાળીમાં સામેની બિલ્ડિંગના સી બ્લોકમાં સ્ટેમ્પ ડ્યૂટી, ડીએલઆરએ, જીએસટીની કચેરીઓ આવેલી છે. આ કચેરીઓમાં રોજના હજારો લોકો તેમના કામ માટે આવનજાવન કરે છે. સ્વભાવિક રીતે લોકોની ભારે અવરજવર હોવાથી ત્યાં રોજ સ્વચ્છતાનો મોટો પ્રશ્ન રહેવાનો છે. આ સરકારી બિલ્ડિંગમાં છેલ્લા ઘણા સમયથી લોબીમાં, પેસેજમાં ભંગારનો જંગ ખડકાયેલો છે. બિનવપરાશી પડી રહેલાં લાકડાં અને લોખંડના કબાટ, ટેબલ પડેલાં દેખાય છે. જેને કારણે ત્યાં ભંગારનું ગોડાઉન હોય તેવું લાગે છે.

બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટ પણ સતત ખોટકાય છે
સરકારી કચેરીઓથી ફુલ બહુમાળી બિલ્ડિંગમાં સંડાસ બાથરૂમની ગંદકી ઉપરાંત લિફ્ટની સૌથી વિકટ સ્થિતિ છે. અવારનવાર લિફ્ટ ખોટકાયેલી જોવા મળે છે. બહુમાળીની દરેક બિલ્ડિંગમાં બે બે લિફ્ટ મુકાયેલી છે. પરંતુ બે પૈકી કેટલીક વખત એક લિફ્ટ રિપેરિંગ કે નિભાવના નામે બંધ રહે છે. જેથી અરજદારોને સરકારી કચેરીઓમાં જવા માટે લાંબીલચક લાઇનો પસાર કરવી પડે છે. સરકારી કચેરીનાં ટેબલ ઉપર તો લાઇનો લાગેલી જ હોય છે. ઉપરાંત અરજદારોને લિફ્ટમાં જવા માટે પણ કતારનો સામનો કરવો પડે છે.

બીજી બાજુ પબ્લિક પ્લેસમાં સૌથી વધારે ઉપયોગ શૌચાલયોનો થાય છે. સરકારી કચેરીમાં શૈાચાલયોને સ્વચ્છ રાખવાની તથા ભંગાર દૂર કરી સ્વચ્છતા રાખવાની જવાબદારી આરએન્ડબીના પીડબ્લ્યૂડી ખાતાની છે. પરંતુ પીડબ્લ્યૂડી દ્વારા આ માટે કોઈ તસ્દી લેવામાં આવતી નથી. જ્યારે આ માટે સરકારમાંથી વર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે અને વપરાય પણ છે. છતાં સ્વચ્છતા નજરે પડી રહી નથી. લોકોને દાદર પરથી ઊતરતી વખતે પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે. ઘણી વખત તો લોકોને મોં ઉપર રૂમાલ વીંટી શૌચાલય પાસ કરવું પડે છે. સૌથી ભયાનક હાલત આઠમાં માળે આવેલી કચેરીઓની છે. બહુમાળી આ માળની કચેરીઓમાં ઉપર સુધી સફાઇ નથી કરાતી. જેને કારણે સવાર અને સાંજ સરકારી કચેરીઓમાં રૂમ ફ્રેશનર કે અગરબત્તી પ્રગટાવવી પડે છે. સરકારી કચેરીમાં ફરજ બજાવતા અને સવારથી સાંજ સુધી બેસતા કર્મચારીઓની હાલત તો સંડાસ બાથરૂમની દુર્ગંધને કારણે ભયાનક થઇ જાય છે. પરંતુ આજદિન સુધી તેમની ફરિયાદોનું કોઇ નિરાકરણ આવ્યું નથી.

Most Popular

To Top