SURAT

સુરત એરપોર્ટ મોટા અકસ્માતમાંથી બચ્યું, આ લોકોની હતી ગંભીર ભૂલ, હવે નોટીસ મોકલાશે

સુરત : (Surat) સુરત એરપોર્ટના (Airport) રન-વે પર 22 નવેમ્બરે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ (Anti hijacking mock drill ) વખતે રન-વે પર સુરત શહેર પોલીસની 5 જીપની ઉપસ્થિતિને કારણે વેન્ચુરા એર કનેક્ટના 9 સીટર એરક્રાફ્ટ્ને અકસ્માત નડતો રહી ગયો હતો. વેંચૂરા એરલાઈન્સનું વિમાન 2 પાયલટ સહિત 11 લોકોને લઈ સુરત એરપોર્ટથી 2.5 માઈલ દૂર લેન્ડિંગ માટે એપ્રોચ બનાવે તે પહેલાં પાયલટને 800 મીટરની ઊંચાઈએ રનવે પર વાહનો હોવાનો મેસેજ મળતાં એર ટ્રાફિક કંટ્રોલરે પાઈલટને લેન્ડિંગ નહીં કરવા અને વધુ ઊંચાઈએ જવા ઇમરજન્સી મેસેજ આપ્યો હતો. તેને લીધે રન-વે પર મોટી દુર્ઘટના બનતી અટકી ગઇ હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો અને હવે તેની તપાસ DGCA દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલને તપાસ સોંપી છે જે આવતીકાલે પોલીસ કમિશનરને રિપોર્ટ સોંપશે. કારણકે સુરત એરપોર્ટના જવાબદાર અધિકારી દ્વારા આ ઘટનાનો ઠીકરો પોલીસના માથે ફોડવાનો પ્રયાસ કરાયો છે.

DGCAની પ્રાથમિક તપાસમાં એરપોર્ટના વિભાગો વચ્ચે મિસ કોમ્યુનિકેશન સામે આવ્યું, મોકડ્રિલ પહેલા અને પછી બચાવ કવાયત દરમિયાન કોઈ સંકલન કરાયું નહોતું

એન્ટી હાઇજેકીંગ મોકડ્રિલ પ્રકરણમાં એરપોર્ટ ડિરેક્ટર અને સુરત ATC હેડને નોટિસ અપાશે

સૂત્રોએ જણાવ્યું હતું કે DGCAએ આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ATC (એર ટ્રાફીક કંટ્રોલર્સ)ના અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટીના સ્થાનિક એરપોર્ટ ડાયરેક્ટર(APD) વચ્ચેના કોમ્યુનિકેશન ગેપને લીધે આ ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ શકી હોત. આ પ્રકરણમાં DGCAએ સુરત એરપોર્ટના ATC હેડ અને APDને નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં બંને વિભાગોને આ સમગ્ર મામલે બેદરકારી અંગે જવાબ રજૂ કરવાનો રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોકડ્રિલ પહેલા અને પછી બચાવ કવાયત દરમિયાન એરપોર્ટ ડિરેક્ટર અને એટીસી વચ્ચે કોઈ સંકલન નહોતું. ATCને મોકડ્રીલ યોજાવાની હોવાની કોઈ આગોતરી માહિતી ન હતી. 22 નવેમ્બરે જ્યારે જીપ રનવે પર જોવા મળી, ત્યારે પાયલોટે તરત જ વધુ ઊંચાઈ સાથે આસપાસ જવાનું નક્કી કર્યું, જેનાથી 9 મુસાફરો અને 2 ક્રૂનો બચાવ થયો હતો.

Most Popular

To Top