Surat Main

સુરતના રિંગરોડ સબજેલની 22,563 ચોરસ મીટર જમીન પર 900 કરોડના ખર્ચે બનશે મનપા ભવન

સુરત: (Surat) સુરત મનપાનું મુખ્યાલય છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા રસ્તા પર કાર્યરત મનપાના મુખ્યાલયમાં (Corporation Office) જુદા જુદા વિભાગોના સમાવેશ માટે જગ્યાનો અભાવ તેમજ ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાથી મનપાનું નવું વહીવટી ભવન (Administrative building) અન્ય જગ્યાએ બનાવવા પ્રયાસો ચાલી રહ્યાં છે. જેમાં થોડા સમય પહેલા રાજય સરકાર સાથે અદલા-બદલીથી મેળવેલી સબજેલની જગ્યા પર મનપાનું નવું વહીવટી ભવન બનાવવાનું આયોજન ફાઇનલ કરવામાં આવ્યું છે. મનપાના આ નવા ભવનમાં 28- 28 માળના બે ટાવરો (Tower) ઊભા કરવામાં આવશે જાહેર બાંધકામ સમિતિમાં આ પ્રોજેકટને મંજુરી અપાયા બાદ સ્થાયી સમિતિની મીટીંગમાં વધારાના કામ તરીકે મુકીને શાસકોએ સૈધ્ધાંતિક મંજુરી આપી દેતા હવે આ પ્રોજેકટ પર આગળ વધવાનો રસ્તો ખુલ્લો થઇ ગયો છે.

રાજય સરકાર સાથે અદલા-બદલીથી મેળવેલી સબજેલની જગ્યા પર 898.91 કરોડના ખર્ચે નવું વહિવટી ભવન બનાવવાના અંદાજોને મંજૂરી માટે જાહેર બાંધકામ સમિતીમાં મુકવામાં આવ્યા હતા જેને મંજુરી અપાયા બાદ તુરંત શનિવારે મળેલી સ્થાયી સમિતિની મીટીંગમાં પણ વધારાના કામ તરીકે લાવી આ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. જેને પગલે હવે 179 વર્ષ બાદ સુરત મનપાના મુખ્યાલયને નવું સરનામું મળશે. મનપા દ્વારા સબજેલની જગ્યા પર વહીવટી ભવન બનાવવા માટે એક એજન્સી નિયુકત કરી છે તેમજ આ એજન્સી દ્વારા બનાવાયેલા ત્રણ મોડેલ પૈકી એક મોડેલને વર્ષ 2019માં શાસકો દ્વારા સંમતિ પણ આપી દેવાઇ હતી. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતુ કે, અગાઉ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી આ પ્રોજેકટ સાકાર કરવાની વિચારણા હતી પરંતુ હવે મનપા દ્વારા જ આ પ્રોજેકટ હાથ ધરવાનું નકકી કરાયું છે.

તેમજ માત્ર મનપાના વિભાગોને બદલે રાજય અને કેન્દ્ર સરકારના વિભાગોનો પણ એક છત્ર નીચે જ સમાવેશ થઇ શકે તેવું આયોજન કરાયું છે. સુરત મનપાના નવા વહિવટી ભવનને આઇકોનિક બનાવવા માટે ખાસ સૂચના અપાઇ હોય, સબજેલની 22,563 ચોરસ મીટર જમીન પર બનનારી આ ઇમારતમાં 28-28 માળના બે ટાવર હશે. બન્નેની ઉંચાઇ 109.15 મીટરની હશે, આ ઇમારત દક્ષિણ ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઇમારતોમાં તેની ગણના થશે. તેમજ અહી મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવવાના હોવાથી તેના માટે જરૂરી પાર્કિંગ માટે ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ તૈયાર કરાશે.

Most Popular

To Top