National

દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

દિલ્હી ઉચ્ચ અદાલતે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવાના કેન્દ્રના નિર્ણયને જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું કે તેમની પસંદગીમાં કોઈ અનિયમિતતા અને ગેરકાયદેસરતા નથી. દિલ્હી ઉચ્ચ અદાલતે મંગળવારે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તીને પડકારતી એક જાહેર હીતની અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા આપેલા કારણો અને બચાવ તર્કસંગત છે. ‘રીટ પેટીશન અને બાકી રહેલી અરજીઓ ફગાવી દેવામાં આવે છે’, એમ ચીફ જસ્ટીસ ડી એન પટેલ અને જસ્ટીસ જ્યોતિ સિંહની બેન્ચે કહ્યું હતું.

1984 બેચના આઈપીએસ અધિકારી સીમા સુરક્ષા દળના ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતાં, તેમને ગુજરાત કેડરમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશના કેડરમાં બદલવામાં આવ્યા બાદ 27 જુલાઈના રોજ તેમને 1 વર્ષ માટે દિલ્હીના કમિશ્નર તરીકે નિયુક્ત કરાયા હતા જ્યારે તેના ચાર દિવસ બાદ 31 જુલાઈએ તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. અરજીકર્તા વકીલ સાદરે આલમે ગૃહ મંત્રાલયના 27 જુલાઈના આદેશને રદ્દ કરવાની માગણી કરી હતી જેમાં અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે આંતર કેડર નિયુક્તિ અપાઈ હતી અને તેમની સેવા એક વર્ષ લંબાવવામાં આવી હતી.

કેન્દ્રએ પોતાની દલીલમાં કહ્યું હતું કે અસ્થાનાની નિયુક્તિ અને તેમના કાર્યકાળનો વિસ્તાર રાજધાનીની સામે આવનાર વિવિધ કાયદાકીય અને વ્યવસ્થાના પડકારોને ધ્યાનમાં રાખતા જનહિતમાં કરાઈ છે. જેનો રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને સીમા પરનો પણ પ્રભાવ પડે છે. અસ્થાનાની નિયુક્તિનો બચાવ કરતા કેન્દ્રએ કહ્યું હતું કે પોલીસ દળના વડા તરીકે એક એવી વ્યક્તિને નિયુક્ત કરવાની જરૂરિયાત અનુભવાઈ જેની પાસે એક મોટા રાજ્યમાં એક મોટા પોલીસ દળનું નેતૃત્વ કરવાનો વિવિધ અને બહોળો અનુભવ હતો.
અદાલતે કહ્યું હતું રાજધાનીમાં પડકારરૂપ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે જેના આંતરરાષ્ટ્રીય પરિણામ છે અને આમ આ પદ માટે એક અનુભવી અધિકારીને પસંદ કરવાની જરૂર હતી.

Most Popular

To Top