SURAT

દર ઉનાળે ઉકાઈનું પાણી હવામાં ક્યાં ઉડી જાય છે? સુરતને એક વર્ષ ચાલે તેટલું પાણી 90 દિવસમાં..

સુરતઃ દક્ષિણ ગુજરાતની (South Gujarat) લીલી વનરાજીના વરદાનરૂપ મનાતા ઉકાઇ ડેમમાં (Ukai Dam) અનેક વિશેષતાઓ તરી રહી છે. ઉકાઇ ડેમ આસપાસના વિસ્તારને કયારેક વિનાશ તો કયારેક વિકાસ દોરી જાય છે. ચોમાસા દરમિયાન જેવી રીતે વરસાદી પાણીની આવક અને જાવકના આંકડા વિશ્લેષકોને આકર્ષે છે. તેવી જ રીતે ઉનાળામાં પણ ઉકાઇ ડેમની વિગતો રસપ્રદ બને છે. સિંચાઇ યોજના ગણાતા ઉકાઈ ડેમમાંથી ગરમીના ચાર મહિનાઓમાં સૂર્યદેવતા ૩૦૦ એમસીએમ જેટલુ ભરપુર પાણી ચૂસી જશે. ધોમધખતા તાપમાં (Hot Season) તરસ્યા બનતા સૂર્યદેવતા સુરતને આખુ વર્ષ પીવા માટે ચાલી શકે તેટલુ પાણી (Water) ડેમમાંથી ચૂસી જશે.

ગરમીને કારણે નદી નાળા અને ડેમમાંથી પાણી બાષ્પીભવન થવાની ઘટના સ્વાભાવિક છે. આમ તો બાષ્પીભવનની પ્રક્રિયા નિરંતર છે, પણ જેમ તાપમાનનો પારો ઊંચે ચડે તેમ બાષ્પીભવનનું પ્રમાણ પણ વધતુ જાય છે. ઉનાળામાં આકાશમાંથી છૂટી રહેલા અગનગોળાને કારણે ઉકાઇ ડેમમાંથી થતાં પાણીના બાષ્પીભવની વાત કરીએ તો આંખના ભવા ચડી જાય તેમ છે. ઉકાઇ ડેમના હેડ સંદીપ મહાકાલે કહ્યું હતું કે, એક ઉકાઈ ડેમમાંથી ગરમીના ચાર મહિનામાં ૩૦૦ એમસીએમ એટલે કે રોજનું બે થી અઢી એમસીએમ પાણી બાષ્પીભવન થઇ જાય છે. નેવુ દિવસમાં ડેમમાંથી આખુ વરસ ચાલે તેટલુ પાણી હવામાં ઉડી જાય છે.

જાણીને નવાઇ લાગશે કે, આ ડેમમાંથી જેટલુ પાણી રોજ બાષ્પીભવન થઇને ઉડી જાય છે. તેનું પ્રમાણ આખા શહેરની તરસ છીપાવે તેટલું છે. નદીમાં રોજ વહી જતાં પાણી કરતાં પણ ગરમીથી ઉડી જતા પાણીનું પ્રમાણ વિશેષ છે. તો બીજી  તરફ આ વર્ષે માત્ર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ બાષ્પીભવનની ટકાવારીમાં ૪ થી ૫ ટકા વધારો થયો છે. ગત વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન ઉકાઈ ડેમમાંથી રોજનું ૨.૩૪ એમસીએમ પાણી બાષ્પીભવન થયું હોવાની નોંધ છે. એટલે કે, આ વખતે ઉગ્ર બનેલી ગરમી પાણીને ખૂબ જલદી સૂકાવી રહી છે. બાષ્પીભવનએ પાણીની તંગીનો સામનો કરતા પ્રદેશો માટે ખૂબ મોટી સમસ્યા છે. કેટલાક રાજ્યોમાં તો પાણીનું બાષ્પીભવન રોકવા વિવિધ  પ્રયોગો પણ થયા છે. તો ઉકાઈ ડેમમાંથી રોજનું ૨.૩૪ એમસીએમ પાણી ઊડી જતું હોય તો અન્ય નાના જળાશયોની શુ પરિસ્થિતિ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

કોઈપણ પ્રવાહીનું બાષ્પીભવન થવાના મુખ્ય પાંચ પરિબળો છે

  1. સપાટીનો એરિયા વિસ્તાર
  2. પ્રવાહી ની ઘનતા અને ઘટતા
  3. વાતાવરણનું ઉષ્ણતાપમાન
  4. ભેજનું પ્રમાણ અને સંગ્રહ પામેલ જગ્યા
  5. હવાની ગતિ

ઉકાઈ ડેમમાંથી દસ વર્ષમાં ૨૦૦૦ એમસીએમ પાણી બાષ્પીભવન
ઉકાઈ ડેમની આજની સપાટી ૩૨૯.૯૮ ફૂટ નોંધાઈ છે. જ્યારે ડેમની આજની કેપેસિટી ૪૯૭૩.૭૨ એમસીએમ છે. અને છેલ્લાં દસ વર્ષમાં ઉકાઇ ડેમમાંથી ૨૦૫૩ એમસીએમથી વધારે પાણી બાષ્પીભવન થઈને ઊડી ગયું. એટલે કે છેલ્લા એક દશકમાં ડેમ ૨૦ ટકા જેટલો ભરાય એટલું પાણી દસ વર્ષમાં સૂર્યદેવના પ્રકોપને કારણે હવામાં ઊડી ગયું હતું.

હવામાં ભેજ જેટલો ઓછો એટલું વધારે પાણી બાષ્પીભવન થાય
બાયો-સાયન્સ વિભાગના હેડ અને નિવૃત્ત પ્રોફેસર ડો.એસ.કે.ટાંકે જણાવ્યું હતું કે, આપણા ગરમ પ્રદેશોમાં પાણીના બાષ્પીભવનનું પ્રમાણ વધુ છે. અને વર્ષ પ્રમાણે વધઘટ થાય છે. તેનું મુખ્ય કારણ વાતાવરણમાં થતા ફેરફાર વાયુઓ ઉષ્ણતામાન હોય છે. વાતાવરણમાં ભેજ ઓછો હોય ત્યારે તળાવ અને ડેમમાં પાણીનું બાષ્પીભવન વધી જાય છે. સામાન્ય રીતે એક લીટર પાણીમાં થી 40 સેલ્સિયસ તાપમાને આશરે ૬૦ થી ૭૦ મીલી પાણીનું બાષ્પીભવન થાય છે. પરંતુ હવામાં ભેજ વધુ હોય તો આ પ્રમાણ ઘટીને ૨૦ થી ૩૦ મીલી થાય છે. ઉકાઈ ડેમમાં બાષ્પીભવન વધઘટ થવાનું કારણ જે તે વર્ષનું ઉષ્ણતાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ છે.

Most Popular

To Top