ડુમસ સી-ફેસ પર ૨૫૦ કલાકારો રજૂ કરશે સુરતનો જીવંત ઇતિહાસ
સોનાની મુરત તરીકે ઓળખાતું સુરત શહેર આજે ફરી એકવાર ઇતિહાસનું સોનેરી પાનું લખવા તૈયાર બન્યું છે. ગુજરાત રાજ્યના સ્થાપના પર્વ નિમિત્તે ૧લી મે, શુક્રવાર ૨૦૨૬ના રોજ આયોજિત ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે આખું સુરત શહેર દુલ્હનની જેમ શણગારાઈ ગયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ સહિત રાજ્ય અને કેન્દ્રના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ગૌરવમય ઉજવણી સુરત શહેરમાં યોજાશે.
આ ઉજવણીનો પ્રારંભ સાંજે ૫:૦૦ વાગ્યે વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનારી ભવ્ય પોલીસ પરેડથી થશે. અશ્વદળના રસાલા અને પાઈપ બેન્ડના લયબદ્ધ સૂરો વચ્ચે મહાનુભાવોના આગમન સાથે આ પરેડ ગુજરાતના શૌર્ય અને શિસ્તનું પ્રતિક બની રહેશે. પોલીસ જવાનોની માર્ચપાસ્ટ, મહિલા પોલીસ દળના સાંસ્કૃતિક પ્રદર્શન અને યુવાનોમાં ઉત્સાહ જગાવતો સાહસિક મોટરસાઈકલ સ્ટંટ શો આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ બનશે.ત્યારબાદ સંધ્યાકાળે ડુમસ સી-ફેસ પર “ગૌરવવંતુ ગુજરાત – વિરાસતથી વિકાસ” થીમ આધારિત ભવ્ય સાંસ્કૃતિક મેગા કાર્યક્રમ યોજાશે.
રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થનારા લગભગ ૫૦ મિનિટના કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કલાકારો લાઈટ અને સાઉન્ડના અદ્ભુત સંકલન સાથે સુરતના પ્રાચીન વૈભવથી આધુનિક વિકાસ સુધીની સફરને મંચ પર જીવંત રજૂ કરશે. આ કાર્યક્રમ દ્વારા સુરતના ઐતિહાસિક વારસાની ઝાંખી શહેરીજનોને મળશે.
સુરત જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. એમ. નાગરાજનના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્રએ આ આયોજનને યાદગાર બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી છે. આ અવસરે ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી હસ્તીઓને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે. શહેરની ઐતિહાસિક ઈમારતો, સરકારી કચેરીઓ અને મુખ્ય માર્ગોને વિશેષ લાઈટિંગ અને સજાવટથી શણગારવામાં આવ્યા છે. ચોકબજારનો કિલ્લો હોય કે આધુનિક બ્રિજ શહેરનો દરેક ખૂણો ઉત્સવી રંગે રંગાઈ ગયો છે અને સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિ સાથે રિજનલ કોન્ફરન્સનું આયોજન
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સાથે સાથે સુરતમાં બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પણ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીનો દિવસભરનો વ્યસ્ત કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે ૧૦:૩૦ વાગ્યે ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે ૧૨:૩૦ વાગ્યે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ, તેમજ ૩:૩૦ વાગ્યે સેમિનાર અને અન્ય બેઠકમાં ભાગ લેશે.
સાંજે ૭:૦૦ વાગ્યે વાય જંક્શન ખાતે યોજાનારી પોલીસ પરેડમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ વાગ્યે ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં સૌપ્રથમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે ૮:૧૫ વાગ્યે સંબોધન કરશે, ત્યારબાદ મુખ્યમંત્રી ૮:૩૦ વાગ્યે અને અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લગભગ ૯:૦૦ વાગ્યે સંબોધન કરશે.
આજે ગુજરાતનું શાસન કેન્દ્ર સુરત બન્યું
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આજે રાજ્યનું પ્રશાસન કેન્દ્ર ગાંધીનગરને બદલે સુરત બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી મંડળના તમામ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સુરતમાં હાજર હોવાથી સમગ્ર પ્રશાસકીય પ્રવૃત્તિઓ આજે સુરતમાંથી સંચાલિત થશે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને એક દિવસ માટે સમગ્ર રાજ્યના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સર્કિટ હાઉસ અને કલેક્ટર કચેરી આજે મિની સચિવાલયમાં પરિવર્તિત થયાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકો અને સમીક્ષા બેઠકો પણ સુરતની ધરા પર યોજાનાર છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બે દિવસ ચાલશે
મુખ્યમંત્રી સવારે ૧૦:૩૦ વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ રિજનલ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે. ત્યારબાદ ૩ મે થી ૫ મે સુધી સામાન્ય નાગરિકો માટે પણ વાઇબ્રન્ટ ગુજરાત ખુલ્લું મુકવામાં આવશે, જેથી લોકો વિવિધ વિકાસાત્મક પ્રદર્શનો અને કાર્યક્રમોનો લાભ લઈ શકે.
મુખ્યમંત્રી દિવસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશે અને ત્યારબાદ સાંજે ગુજરાત સ્થાપના દિવસના મુખ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.આ રીતે આજે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સાથે સુરત શહેર સમગ્ર રાજ્યના ગૌરવ અને વિકાસની નવી ઓળખ તરીકે ઝળહળી ઊઠ્યું છે.