Comments

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે વર્તમાન સંઘર્ષની વાત

આજે પહેલી મે એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. આ દિવસ છે શ્રમિકોના હકો અંગે વાત કરવાનો, સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવાનો અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો. વર્તમાન સમયમાં જ્યારે દેશના અનેક ભાગમાં, ખાસ કરીને રાજધાનીની આજુબાજુના પ્રદેશોની ઔદ્યોગિક વસાહતોમાં શ્રમિકો પાછલા બે-ત્રણ મહિનાઓથી પોતાના હકો માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આજના દિવસે તેમની વાત કરવી અત્યંત જરૂરી બને છે.

2026ની શરૂઆતથી જ દેશનાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્રમિક અસંતોષ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન ખાનગી તેમજ જાહેર ક્ષેત્રની મોટી કંપનીઓમાં વિરોધ પ્રદર્શનોએ જોર પકડ્યું. હરિયાણાના પાણિપતમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં એક અકસ્માતમાં ત્રણ મજૂરો ગંભીરરીતે ઘવાયા અને એકનું મૃત્યુ થયું. મેનેજમેન્ટ તરફથી મદદ પહોંચાડવામાં થયેલ ઉદાસીન વિલંબને કારણે એક વોટ્સએપ સંદેશના આધારે આઈ.ઓ.સી.માં કામ બંધ થઇ ગયું.

છ દિવસ સુધી ત્રીસ હજાર જેટલાં શ્રમિકો ફેકટરીના દરવાજા પર બેસીને ધરણાં કર્યાં. પ્રશ્ન માત્ર આ અકસ્માતનો નહોતો. ઘણા લાંબા સમયથી શ્રમિકોની અનેક માંગ સામે આંખ આડા કાન થઇ રહ્યા હતા. અજંપો હતો કારણ કે તેમની માંગ પાયાની હતી કામના કલાક 12માંથી ઘટાડીને 8 કરવા, કાર્યસ્થળની સુરક્ષા વધારવી, કામના નજીકના સ્થળે ટોઇલેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, સમય પર પગાર આપવો અને વેતનમાં વધારો જે વધતી મોંઘવારી સાથે વર્ષોથી વધ્યો નહોતો. બધી માંગ શ્રમિકોના મૂળભૂત અધિકારોની છે અને એક પણ માંગ ગેરવ્યાજબી ગણી શકાય એમ નથી. ઓડિશા અને ઝારખંડમાં ટાટા પાવરના પ્લાન્ટોમાં પણ ન્યૂનતમ વેતન, સામાજિક સુરક્ષા અને અયોગ્ય છટણીના વિરોધમાં આંદોલનો થયાં.

સુરત-હજીરાના લાર્સન એન્ડ ટોબ્રોના પ્લાન્ટમાં પણ કામના સ્થળની સુરક્ષા અને વેતનમાં યોગ્ય વધારાની માંગ સાથે શ્રમિકોએ વિરોધ પ્રદર્શન કર્યાં. આ સમયગાળામાં જ જિંદલ સ્ટીલ, આદિત્ય બિરલા ગ્રુપ અને વેદાંતા ગ્રુપ જેવી મોટા કદની ખાનગી કંપનીઓ તેમજ એન.ટી.પી.સી, વેસ્ટર્ન કોલફિલ્ડ્સ અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પણ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાયાં. આ તમામ આંદોલનોમાં એક સામાન્ય માંગ છે, આઠ કલાકના કામ દિવસનો અમલ, ઓવરટાઈમ માટે યોગ્ય વળતર, નિયમિત વેતન ચુકવણી અને સામાજિક સુરક્ષાની સુવિધાઓ – જેની કાયદામાં જોગવાઈ છે પણ મળતી નથી.

મોટા ભાગનાં કામદારો કોન્ટ્રાકટ પર કામ કરે છે એટલે એમને કાયદાનું રક્ષણ મળતું નથી. માર્ચના અંત અને એપ્રિલમાં આ અસંતોષ વધુ વ્યાપક બન્યો. ભારેલા અગ્નિ પર ઈરાન પરના યુધ્ધે આગ ચાંપવાનું કામ કર્યું. રાંધણ ગેસની અછત અને પરિણામે વધેલા ભાવે જીવન દુષ્કર કર્યું ત્યારે ગુરુગ્રામ–માણેસર ઔદ્યોગિક પટ્ટામાં કામદારોએ હડતાલો શરૂ કરી, જે થોડા જ સમયમાં ફરીદાબાદ અને ત્યાર બાદ નોઇડા સુધી ફેલાઈ ગઈ. આ વિસ્તારોમાં કામદારોની મોટી સંખ્યાએ ગેટ સામે વિરોધ પ્રદર્શન, રેલીઓ અને કામબંધ જેવાં પગલાં લીધાં. પથ્થરમારા અને આગચંપી જેવી હિંસા પણ થઇ.

કામદારો જ્યારે પોતાના હકની માંગ કરે ત્યારે રાજ્ય પ્રશાસનની પહેલી પ્રતિક્રિયા હંમેશાથી દમનની રહી છે. એવું જ આ વખતે પણ થયું. ગુરુગ્રામ, ફરીદાબાદ અને નોઇડા જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર કડક પગલાં લેવામાં આવ્યાં. ઘણી જગ્યાએ ધરણાંઓને બળપૂર્વક ખસેડવામાં આવ્યા, રસ્તાઓ પર ભેગા થયેલાં કામદારોને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને કેટલાંક સ્થળોએ ધરપકડો પણ કરવામાં આવી. યોગી આદિત્યનાથે તો આ આંદોલનોમાં ‘નકસલવાદી પ્રભાવ’ હોવાનો સંકેત આપ્યો, જેના આધારે પ્રશાસને વધુ કડક કાર્યવાહી હાથ ધરી.

જરા વિચારો, દિલ્હી – એન.સી.આર. વિસ્તારમાં ઘણાં કામદારો મહિને માત્ર ₹10,000 થી ₹15,000 કમાય છે. સામે જીવનનિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાદ્ય પદાર્થો, ભાડું અને રાંધણ ગેસના વધતા ખર્ચને આ આવકમાં કેમનું પહોંચી વળાય? શ્રમિકોનું વેતન તો વર્ષોથી લગભગ બદલાયું જ નથી! ભારતની લોકશાહીને 79 વર્ષે, પણ દેશના મજૂરનો સંઘર્ષ હજુ પાયાની સવલતો માટે જ છે. અત્રે એ પણ નોંધીએ કે આ બધા વિરોધ-પ્રદર્શન લગભગ સ્વયંભૂ હતાં, કોઈ મોટા ટ્રેડ યુનિયન આયોજિત નહોતાં. એટલે એનાં મૂળિયાં યુનિયન પોલીટીક્સના દાવપેચમાં નહીં પણ ગળે આવેલી હાલાકીમાં છે.

કાયદા બદલાય છે, પણ તેમાં રહેલી છટકબારી હંમેશા માલિકને ફાયદો કરાવી આપે છે અને શ્રમિકોના ભાગે રહે છે રોટી, કપડાં ઓર મકાન માટેનો રોજિંદો સંઘર્ષ. આજે, મજૂર દિવસે વ્યવસ્થા સામે હકનો સંઘર્ષ કરી રહેલાં સૌ શ્રમિકોને સલામ. અર્થતંત્રનાં પૈંડાં ફરતાં રાખવામાં એમના પરસેવાનું બહુ મોટું યોગદાન છે. તેમનું નીચું વેતન વિદેશી મૂડીને ભારત લાવે છે તેમજ ગ્રાહકોની ચીજ વસ્તુ સસ્તી બનાવે છે. એક રીતે જોવા જઈએ તો તેઓ આખા સમાજને સબસીડી આપે છે. તેમના સંઘર્ષમાં ‘નકસલવાદ’ પ્રેરિત ‘ષડ્યંત્ર’ શોધવાને બદલે અજંપાને આક્રોશમાં બદલતી શોષણયુક્ત વ્યવસ્થાને સમજવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top