India

તાપી નજીક મહારાષ્ટ્રના નવાપુરમાં ફરી બર્ડ ફ્લૂ H5N1નો ખતરો

1 કિમી વિસ્તાર સીલ, ગુજરાત બોર્ડર પર હાઈ એલર્ટ

H5N1 avian influenza નામના અત્યંત ચેપી બર્ડ ફ્લૂ વાયરસે ફરી એકવાર મહારાષ્ટ્રના Navapur વિસ્તારમાં દસ્તક આપતા ગુજરાતના Tapi district સહિત આસપાસના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ વિસ્તારમાં ત્રીજી વખત બર્ડ ફ્લૂના કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે બોર્ડર વિસ્તારોમાં કડક નજર રાખવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

માહિતી મુજબ, મહારાષ્ટ્રના Nandurbar districtના પોલ્ટ્રી હબ ગણાતા નવાપુર તાલુકામાં આવેલી ડાયમંડ, તસ્લીમ અને ડોન પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના અચાનક મૃત્યુ થતા શંકા ઊભી થઈ હતી. બાદમાં પક્ષીઓના નમૂનાઓ ભોપાલ સ્થિત National Institute of High Security Animal Diseases ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી H5N1 વાયરસની પુષ્ટિ થઈ છે.

રિપોર્ટ પોઝિટિવ આવતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સંક્રમિત ફાર્મની આસપાસનો લગભગ 1 કિલોમીટર વિસ્તાર સીલ કરી દેવાયો છે તેમજ સમગ્ર વિસ્તારમાં સેનિટાઈઝેશન અને સર્વેલન્સ વધારવામાં આવ્યું છે.

નવાપુર પોલ્ટ્રી ઉદ્યોગ માટે આ ઘટના ચિંતાજનક સાબિત થઈ રહી છે. હાલમાં વિસ્તારમાં કુલ 27 પોલ્ટ્રી ફાર્મ કાર્યરત છે, જેમાં આશરે 10.49 લાખ પક્ષીઓ છે અને અંદાજે 8 લાખ ઈંડાનો જથ્થો ઉપલબ્ધ છે. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 1.40 લાખ પક્ષીઓના નિકાલની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.
ગુજરાત તરફથી પણ સાવચેતીરૂપ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સોનગઢ અને આસપાસના બોર્ડર વિસ્તારોમાં પશુપાલન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડે તો બોર્ડર સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.

નાગરિકો માટે મહત્વની સૂચનાઓ
બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈ પણ મૃત અથવા બીમાર પક્ષીને સ્પર્શ ન કરવા, ચિકન અથવા ઈંડાનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ઊંચા તાપમાને રાંધીને જ ખાવા, તેમજ આસપાસ પક્ષીઓના અચાનક મોત દેખાય તો તરત પશુપાલન વિભાગને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકોને આવા વિસ્તારોમાંથી દૂર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top